આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
4
વીરમદેવ

ત્રીજે દિવસે રાત પડતી હતી. બુઢ્ઢા દેવરાજ પટ્ટકિલ સિદ્ધેશ્વરના દ્વાર પરની એક ઓરડીમાં બેઠા હતા, ત્યારે કુમાર વીરમદેવ ત્યાં લપાતો લપાતો આવ્યો. એણે બોલ્યા વગર ડોસાના હાથ પર હાથ પસવાર્યા.

રાતે દેખી ન શકતા ડોસા દેવરાજે સ્પર્શ પરથી વીરમદેવને ઓળખ્યો, હેબતાઈને પૂછ્યું: “અરે બાપા ! તમે અત્યારે આંહીં?”

"આસ્તે બોલો, દેવરાજ” વીરમદેવ બીતો છતાં હુકમ દેવાની ઢબે બોલ્યો, “મને આંહીં સંતાવા દો.”

"કાં ?”

"મને પકડવા આવે છે!"

“કોણ?”

“બાના વંઠકો. પણ મારે ત્યાં જવું નથી. મારે પણ રેવતીની ને લૂણસીની જેમ તમારી વાર્તા સાંભળવી છે.”

“તો ભાઈ, હાલો હું રાજગઢમાં આવીને સંભળાવું.”

"ના, મારે તો આંહીં જ સાંભળવી છે. સંભળાવવી જ પડશે. કેમ નહીં સંભળાવો? હું જોઈ લઈશ.”

“અરે બાપા ! મારાથી સંતાડાય? ચોર થવાય? બાપુની ને માની પાસે પધારો.”

"એની પાસે?" વીરમદેવનો ત્રાડૂકતો સ્વર બદલાયો, સંતાપ ટપક્યો: “કોણ જવા દે છે? મને મળવા કોણ નવરું છે?"

"અરે એમ હોય, મારા બાપ?"

"એમની વાત છોડો છો કે નહીં, બુઢ્ઢા?" વિરમદેવને જાણે કંઈક કહેવું હતું પણ પોતે કહી શકતો નહોતો.

"ભાઈ, રાજકુળની રીત તો રાખવી જોઈએ ના ! તમારે તો રાજા થવાનું છે."

"નથી જોતું રાજ. લોહી કાં પીઓ છો બધા?" વીરમદેવના સ્વરોમાં ઉત્તાપ