આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વીરમદેવ
191
 

હતો.

"હે-હે-હે- રાજ ન જોઈએ? શા સાટુ ન જોઈએ બાપા?”

"હું શું તમારો વંઠક છું તે રાજ કરવા બેસું? મને વારે વારે કેમ સૌ કહ્યા કરે છે કે, રાજ જોતું હોય તો આમ કરો, આમ નહીં કરો તો રાજ નૈ મળે ! મને ઝટ સંતાડો, દેવરાજ, હું રાજા થઈશ તે દી તમારો ગુણ બૂઝીશ.”

પણ દેવરાજ આ અવળચંડા તરીકે ઓળખાતા કુમારને છૂપું રક્ષણ ન આપી શક્યો. ખિજાયેલા સાપની પેઠે સીંકોટા કરતો વીરમદેવ બહાર ગયો, એને નજીકના જ બ્રાહ્મણવાડાને નાકે રેવતી મળી. એણે કહ્યું: "ચાલ રેવતી, મને તારા બાપુ પાસે લઈ જા. મારે એને કંઈક પૂછવું છે."

"પણ તમારો ભણવાનો સમય તો સવારનો છે. તમે અત્યારે એકલા કેમ આથડો છો? કોઈ તમારી સાથે કેમ નથી?"

"તો તું કેમ એકલી રખડે છે? હું શું તારાથી ઊતરતો છું?"

"અરે ભગવાન !" બોલકણી રેવતીએ એને ઝટ લઈ જવાને બદલે કહેવા માંડ્યું, "તમારે તો રાજા થવું પડશે. રાજાના કુંવર તે કંઈ ફાવે ત્યાં ભટકે?"

"હવે તું તે કોણ રાજા કરનારી?" કુમાર વીરમદેવે રેવતીનો હાથ ઝાલ્યો. રોજ એનું ટીખળ કરવા ટેવાયેલી રેવતીએ એનાથી એ અંધારે ડરીને હાથ ઝટકાર્યો. તરત જ એનો હાથ છોડી દઈને વીરમદેવ કહેઃ “રેવતી, ભલી થઈને મને તારે ઘેર લઈ જા.”

"તો લૂણસી શેઠની આંગળી ચગદી એની ક્ષમા માગશો?"

"હું ક્ષમા માગું?" એમ કહી એણે દાંત પીસ્યા, “હું તો રાજા થવાનો છું.”

"તો એ પણ મંત્રી થશે, જોજોને.”

"હું એને ધોળે ધરમેય ન રાખું, લાત મારું."

“મારજો તો ખરા તે દિવસે ઉઠાડી જ મૂકશે.” રેવતી એને વધુ ને વધુ ચીડવતી હતી.

"ઉઠાડનારો છે કોણ?" વીરમદેવ બીજા રંગમાં આવી ગયો, “હું ઊઠું તે પહેલાં ઉઠાડનારનું માથું જ ધડ પરથી નહીં ઊઠી જાય”

એમ કહીને એણે પોતાની પાસેની કૃપાણ ખેંચી.

"વોય બાપ!” કહી રેવતી વાડાની અંદર દોડી ગઈ અને વીરમદેવ ત્યાં થંભી ગયો. રેવતી એ શું બકી ગઈ હતી તે પર પોતે ચિત્ત ઠેરવ્યું. લૂણસીને મંત્રી નહીં રાખું તો મને ઉઠાડી મૂકશે ! કોણ? મંત્રી અને સેનાપતિ? મગદૂર ! હા, એ શું ન કરે? જે ચા'ય તે કરે. કાષ્ઠપિંજરના પ્રવેશદિને હાથી ઉપર વસ્તુપાલે પોતાની સામે