આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનુપમા ચંદ્રાવતીમાં
201
 

તારા નામનો જાપ જપે છે. તેં ગુર્જર દેશમાં જઈ ચંદ્રાવતીની આબરૂ ઉજાળી, અનોપ!”

“તો તો બાપુ, આજે જ શ્રેષ્ઠીઓને બોલાવો. મારે વધુ રોકવાનો સમય નથી.”

“વારુ! વારુ !” ધરણિગ શેઠે ત્રણેય પુત્રોને સાદ પાડ્યો, “ખીંબસિહ ! આંબા ! ઊદલ ! તમે ઉતાવળ રાખો. જુઓ, નગરશેઠ ચાંપલ શ્રાવકને, ઊંબરણી-કીંવરલીના રાસલ શ્રેષ્ઠીને, સાવડ શ્રીપાલને, કાસિદ્રાના સોહી પાલ્હણને, વરમાણના આલિગ પુનડને, ધવલીના સાજણ પાણવીરને, મૂંગથલાના સંધીરણ શેઠને, હણાદ્રા ને ડભાણીના પણ જે જે આગેવાનો હોય તેને જાણ કરો.”

પિતા પાસેથી ઊઠીને અનુપમા તિહુઅણદેવીને એકાંતે મળી. માએ વારંવાર તેડાવેલી છતાં ન આવતી, ને આજે ઓચિંતી હાજર થયેલી ખોટની પુત્રીને ગોદમાં લઈ વહાલ કર્યું અને ચાતુરીથી પુત્રીના શરીર પર, ખાસ કરીને પડખામાં ને પેટ ઉપર હાથ પસવારી લીધો. પછી ધોળકાના સુખવર્તમાન પૂછતાં પૂછતાં રહસ્યકથા પણ જાણવા યત્ન કર્યો.

“કેમ, તું વધુ પડતી ભારેખમ થઈ ગઈ છે? ને ભાણો લૂણસી કેટલાં વર્ષનો થયો?”

“ચૌદ વર્ષનો.”

“ઓહો ચૌદ વરસ વહ્યાં ગયાં? વચ્ચે કંઈ કસુવાવડ તો નથી થઈ ગઈને?”

"ના, બા.”

“તો તો ઉબેલ ગજબ લાંબો ચાલ્યો, બાઈ ! તારા વર તે શું સંગ્રામમાંથી નવરા જ પડતા નથી ! ઘેર કોઈ દી રહે છે કે હાંઉ બસ વણથળી અને ગોધ્રકના વિજયનાં બીડાં જ ચાવ્યા કરે છે? હેં ! કેમ બોલતી નથી? કહે જોઉં, પેટની વાત માને તો કહેવાય. તું ભલે તારા ધોળકામાં જગદમ્બા રહી, આંહીં ચંદ્રાવતીમાં તો મારે મન તું પરણીને ગઈ તેવડી ને તેવડી નાનકડી છો, સમજી ને! બોલ જોઉં”

“બા,” અનુપમાની આંખો પર પોપચાંની પાંદડીઓ ઢળી ગઈ ને એણે સહેજ મોં મલકાવીને કહ્યું, “એવું કંઈ નથી, તારા સમ બા, તું વલોપાત ન કર.”

દડ દડ દડ તિહુઅણદેવીના ડોળા નિચોવાઈ રહ્યાઃ “તો પછી બોલ, શું છે આ બધું? જગતમાં તો પુજાય છે, ને વરને જ ત્રણ બદામની લોંડી લાગછ?”

“ના બા ! એવું ન બોલો. પાપમાં પડીએ.”

“તો કહે સાચું.”

"બા, તારી પાસે પણ હું એક કામ લઈને આવી છું. પાટણમાં ઠક્કુર આસા ઝાલ્હણ કરીને છે. એને ઘેર હું રસ્તામાં ઊતરતી આવી છું. એની દીકરી સુહડા