આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
204
ગુજરાતનો જય
 

બધું તુંબડીમાં કાંકરા જેવું અગમ ભાસતું હતું, પણ એ ભોળી ભદ્રિક સ્ત્રી એટલું તો કહી શકી: “ઠીક બાઈ, એક વાત તો સાચી છે. પુરુષ બાપડો પીડાતો હોય - આપણે જ વાંકે, એમાં એની શી ગતિ!”

માતાની સંમતિ સમજીને અનુપમાએ આભારવશ બની હોય તે રીતે માના પગે હાથ ચાંપ્યા ને પોતે ઊઠીને પિયર-ઘરની વિશાળ હવેલીના ખંડેખંડમાં ભમતા અગાસી ઉપર ગઈ. ત્યાંથી એણે પોતાના નાનપણની પ્રિય ચંદ્રાવતી નગરીને નિહાળી. આરસપહાણમાં આલેખેલું જાણે ગિરિવર આબુરાજનું સોણલું સૂતું હતું. ચંદ્રિકાનાં ફોરાં વરસી વરસીને જાણે પૃથ્વી પર થીજી ગયાં હતાં. તારાઓએ ધરતીને ખોળે ઊતરવાનું જાણે ધ્યાન ધર્યું હતું અને ચંદ્રાવતી જાણે માટીની સોડમાંથી આળસ મરડીને ઊઠી હતી.

એની વચ્ચે વચ્ચે આરસનાં અગણિત દેરાં એણે કદી નહીં ને તે સંધ્યાએ પહેલી જ મીટ માંડીને જોયાં. દેરાંના ઘુમ્મટોમાં એણે ત્રણ-ત્રણ જુદા રંગના થરા સંધાયેલા જોયા. આવી વિકૃતિ કેમ? એને પિતાએ કહેલું તે પ્રતીત થયું. દેરાં ત્રણત્રણ વાર તૂટ્યાં હતાં ને સંધાયાં હતાં. કેટલાંક તો હજુ પણ માથાં વગરનો ધડ જેવાં ઊભાં હતાં. એના પુનરુદ્ધાર માટે જોઈતો આરસ જડ્યો નહોતો.

નજર વધુ ને વધુ ઝીણી બનીને વિસ્તરતી ગઈ. ચંદ્રાવતી એને કોઈ વારેવારની કસુવાવડોએ ભાંગી નાખેલી રૂપસુંદરી-શી લાગી. આરસનાં આભૂષણોમાં ઠેર ઠેર કઢંગાં થીગડાં દેખાતાં હતાં.

બળાત્કારનો ભોગ બનેલી પોતાની નવયૌવના પુત્રીને ગોદમાં લઈ ગિરિરાજ બેઠા હતા. એણે નજરોનજર નિહાળ્યાં હતાં – નવી નગરી ચંદ્રાવતીનાં શીળભંજન એક વાર નહીં પણ સાતેક વાર. મહંમદ ગઝનીથી આરંભ થયો હતો. કુતબુદ્દીન એબકનો અત્યાચાર તાજો હતો. એ 1254ના અત્યાચારની સામે લોહીલુહાણ થયેલી ચંદ્રાવતીના દેહ પરના ઉઝરડા ને દાંતના વણો હજુ અણરૂઝ્યા હતા.

વલોવાતું હૃદય લઈને અનુપમા ઊતરી ગઈ. એનો ચંદ્રાવતીના વ્યાપારીઓશ્રેષ્ઠીઓની ગુજરાત ભણીની હિજરત પ્રત્યેનો તિરસ્કાર ને રોષ ઓછો થયો. નિર્દોષ ચંદ્રાવતી નાસે નહીં તો શું કરે? એનું હતભાગ્ય હતું કે એના પાયા પરદેશી ધાડાંઓની ગુજરાત પરની ચડાઈના ધોરી રસ્તા પર જ નખાયા હતા. પાટણને ભાંગી ચંદ્રાવતી જમાવનાર વણિક વિમલ મંત્રીની એ ભૂલ ભયંકર હતી. શત્રુઓને ચંદ્રાવતી શોધવા જવું પડતું નહોતું. એ પોતે જ નિરુપાયે પગમાં આવતી હતી. આબુરાજનું આ આરસ-સ્વપ્ન, દેવ અચલેશ્વરના ભાલચંદ્ર સિંચીને ઉગાડેલું આ જ્યોત્સ્ના-ઉદ્યાન. તારાઓના અનંતકાળના ધ્યાનમાંથી ઊઠેલું આ સૌંદર્યજ્ઞાન, એને