આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
7
મહિયરની લાજ

બુરાજની આસપાસનાં ગામોના અને એ ગામોને છોડી ચંદ્રાવતીને ફક્ત બસો જ વર્ષો પર વસાવવા આવેલા આ શ્રેષ્ઠીઓનાં ને ગોષ્ઠિકો (મંદિરોના કાર્યકર્તાઓ)નાં નામો બરછટ હતાં. એ નામોમાં પહાડની ખડતલ પ્રકૃતિનો પડઘો હતો. એ નામોને ધારણ કરનારા વણિકોના શરીર-બાંધા પણ ગુજરાતથી જુદી જ જાતનો મરોડ દાખવતા હતા. પઢિયારો, પરમારો અને મહેરોના નિત્યસંગાથીઓ આ પોરવાડો ને ઓસવાળો પોચટ કે પોપલા નહોતા. પાટણના પ્રધાન વિમલશાહે આ નગરી વસાવી અને સત્તર મ્લેચ્છોનાં છત્ર તોડ્યાં, તે વિમલશાની દંડનાયકીનું રગેરગ પાન કરીને આ મહાજન માલવદેશ, નડૂલ અને સામે જ પડેલા મેવાડનો મદ ઉતારવા માટે જાણીતું હતું. ચંદ્રાવતીને ચંદ્રનો ટુકડો બનાવનારા આ વૈશ્યો હતા.

તેઓ બોલતા હતા તે મીઠી પુરાણી અપભ્રંશ વાણી હતી. તેમનાં શરીરો પણ આરસનાં જાણે ચોસલાં હતાં.

ચંદ્રાવતીની પુત્રીના મસ્તક પર વૃદ્ધોએ હાથ મૂક્યા, પ્રૌઢોએ સન્માન કર્યું, યુવાનોએ હાથ જોડીને વંદન કર્યું. અનુપમા ઓઢણું સંકોડીને નીચે બેઠી. ધરણિગ શેઠે સૌને કહ્યું: “આપણી અનોપ આપણને તેડવા આવી છે.”

"ના, વડીલો,” અનુપમાએ સ્વસ્થ અને સબૂરીભર્યા સ્વરે સંભળાવ્યું. "જેઠજીએ તો મને મોકલી છે તમને તેડવા, પણ હું તો આવી છું તમને ચંદ્રાવતીનો ત્યાગ ન કરવાનું વિનવવા.”

મહાજનોનાં મોં ચકિત બનીને ઊંચાં થયાં.

“વડીલો, પાટણ ભાંગીને ચંદ્રાવતી પસ્તાયું. હવે ચંદ્રાવતી ભાંગીને પાટણધોળકા સમૃદ્ધિવાન ન બની શકે."

“પણ – પણ – બહેન –" અનોપના ત્રણ ભાઈઓમાંથી એકે બોલવા યત્ન કર્યો. તેને હળવેથી તોડતી અનુપમા બોલી: “મારા ભાઈઓને મારો પહેલો ઠપકો છે. તેમણે જ તમને સૌને અવળી મતિ બતાવી છે. ચંદ્રાવતી ભાંગે એટલે ગુર્જર દેશ ભુક્કો થાય; શત્રુઓ આબુના ધણી બને; પછી બીજે જ દિવસે ગુર્જર દેશને