આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહિયરની લાજ
207
 

દેવપટ્ટણ સુધી ખૂંદી નાખે.”

“પણ અમારો કાંઈ વાંક છે?”

“વાંક! –" અનુપમાની ડોક ઉન્નત બની, “વાંક તો ખરો જ. આ નગરીનાં તોરણ એક વણિકે બાંધ્યાં, એ વાંક જ ને ! એ વણિક વિમલશાએ તેરેતેર મ્લેચ્છ આક્રમણકારોનાં આંહીં છત્ર ભાંગ્યાં, એ વાંક તો ખરો જ ને ! ઓતરાદી સરહદનું દિક્‌પાલપદ પોણાબસો વર્ષથી વણિકે સ્વીકાર્યું, એ વાંક કહો તો વાંક, ને ગૌરવ કહો તો ગૌરવ !”

“અમે ક્યાં સુધી ચૂંથાઈએ?”

“દુશ્મનો આ દિશાના સીમાડા પર દ્રષ્ટિ કરતાં કંપી ન ઊઠે ત્યાં સુધી. તમે શું એમ સમજો છો, શ્રેષ્ઠીઓ, કે પાટણ-ધોળકા મોજ માણે છે? સ્તંભતીર્થમાં બેઠેલા મારા જેઠજી કવિઓને બોલાવી સુભાષિતો રચે છે તેવું સાંભળીને સૌની દાઢ ગળી લાગે છે ! ભ્રમણામાં ન રહેતા. હું વધુ કહી સમજાવી શકીશ નહીં. પણ ચંદ્રાવતીનો આપણી સલામતીની આશાએ ત્યાગ કરવો એ તો સૌથી મોટો ભૂમિદ્રોહ છે. તમે ભાગશો, સો-બસો કુટુંબો ગુર્જર દેશને શરણે સમાશો, પણ આ લાખો ગરીબોનું શું થશે?”

“પણ અમને તો મહામંડલેશ્વરે પણ રજા આપી છે.”

"કારણ કે તમે એમને મેણું દીધું છે કે પોતે ઊંચે ઊંચે અચલગઢમાં મહાલે છે ને ચંદ્રાવતી તો નીચે સપાટ મેદાનોમાં સબડે છે. તો હું તમને કહું છું, વડીલો, કે મહામંડલેશ્વર ધાર પરમારને તમે અન્યાય કર્યો છે. અચલગઢનાં શૃંગો ઉપર ઊભીને એ ચંદ્રાવતીની જ ચોકી કરે છે. એનેય આરસમાં આળોટવું મીઠું લાગે છે. ને એ ધારે તો ચપટીવારમાં ચંદ્રાવતીના વૈભવોનો અમરપટો મેળવી શકે છે.”

"કઈ રીતે?” એક યુવાને પ્રશ્ન કર્યો.

“એ પણ મારે સમજાવવું પડશે? નાને મોંએ મોટી વાત કરતાં હું ક્ષોભ પામું છું, મહાજનો ! પણ મહામંડલેશ્વરને વેચાતા લેવા આજે મેવાડથી દિલ્હી સુધી કોણ તૈયાર નથી? મહામંડલેશ્વર મટાડીને એને મહારાજપદ આપવા કોણ ના કહે છે? તમે ચંદ્રાવતી છોડી ધોળકે આવી શકો છો, તેમ એ પણ માલવદેશ કે દિલ્હીને આશરે ક્યાં નથી જઈ શકતા?”

મહાજને આ વાત સાંભળતાં જ ભયનો એક આંચકો અનુભવ્યો. તેમનાં ચક્ષુઓ વિચારમાં ઊંડાં ગયાં. તેમને આ મુદ્દો જાણે કે પહેલી જ વાર સૂઝ્યો. અનુપમાએ આ આર્દ્ર બનેલાં હૃદયો પર વધુ ચોટ લગાવી –

“મહામંડલેશ્વર ધારાવર્ષદેવની બે પેઢી પચ્છમ ભારતવર્ષની પહેરેગીરી કરતી