આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
208
ગુજરાતનો જય
 

ખપી ગઈ. બાપુ યશોધવલે ગુર્જરીના દ્વેષી માલવરાજ બલ્લાલને આ જ મેદાનો પર માર્યો. મહારાજ કુમારપાલે કોંકણ દેશ પર ચડાઈ કરી ત્યારે પણ એની સાથે ચડીને મલ્લિકાર્જુનને આજના ધારાવર્ષદેવે હણ્યો. કાળનોયે કાળ સુરત્રાણ શાહબુદ્દીન આંહીંથી મહામંડલેશ્વરની સમશેરે જ ઘાયલ થઈને ગુર્જર દેશનાં દેરાં ભસ્મીભૂત કરવાનું સ્વપ્ન પાછું લઈ પોબારા ગણી ગયો; અને કુતબુદ્દીન એબકનાં અપાર ધાડાંને આંહીં રોકી પાડવા આપણા જ મહામંડલેશ્વર આડા ઊભા હતા. પણ એકલે હાથે એની કારી ફાવી નહીં. મહારાજ ભીમદેવે મોં સંતાડ્યું, પટ્ટણી યોદ્ધા તલવારપટા મૂકીને ભાગી ગયા, બાપુ ધારાવર્ષનાં વહાલાં સગાં અને સૈનિકો ફૂલધારે ઊતર્યાં, ચંદ્રાવતીની કાયા પડી તે પછી જ યવનોના પગને આગળ વધવાનો મારગ મળ્યો. આજ એ નામોશીને પોતાનાં આંસુઓથી ધોતાં એંશી વર્ષના વૃદ્ધને મેં અચળગઢની કેડીએ દીઠા, પહોડોની કરાડોમાં એ પોતાના કુંવર સોમ પરમારને ધનુર્વિદ્યા શીખવતા હતા, આંગળી ચીંધીચીંધીને ચતુર્દિશાના મર્મસ્થાનો બતાવતા હતા. ડોસા હાંફતા હાંફતા ડુંગરે દોડતા હતા ને ઠોકર વાગતાં ગડથોલાં ખાતા હતા.”

પોતાના રાજાનું આવું વર્ણન શ્રેષ્ઠીઓની પાંપણો પલાળનારું બન્યું એટલે અનુપમાએ છેલ્લી વાત કહીને પોતાનું કામ પૂરું કર્યું: “અમારી ઘોડવે'લ અને તેના ઉપર ફરકતો કકુટધ્વજ એમણે ઊંચે ઊંચેથી દીઠો. એક જ પલમાં તો બાપદીકરો અદૃશ્ય બન્યા અને ચંદ્રાવતીને સીમાડે જોઉં છું તો બેઉ પહાડ ઊતરીને ઘોડે ચડેલા ઊભેલા. મને ઓળખી લીધી – પંદરેક વર્ષ પર દીઠી હશે. મને દેખીને ડોસા ખસિયાણાં પડ્યા. કુશલ-સમાચાર પૂછીને પછી ઘણો વિચાર કરી માંડ માંડ એટલું જ બોલી શક્યા – શ્રેષ્ઠીઓને ધોળકે તેડી જવા આવી છોને, બહેન ભલે ભલે, એ મારા અટંકી સાથીઓનો હવે કંઈ વાંક નથી. બહુ માર ખાધો. હું ન રક્ષી શક્યો. ને હવે આ મારા સોમના શા ભરોસા ! મેવાડ જેવાં મહામંડલ ખડી ગયાં, તો મારાં પેટ કેટલીક ટક્કર ઝીલશે ! ભલે બહેન, તેડી જાજે – મારે રાંકને ઘેર ચંદ્રાવતી જેવું રત્ન ન સચવાય ! શૂરા શ્રેષ્ઠીઓએ બહુ વેઠ્યું – બહુ ભોગવ્યું. તેડી જાજે."

આ વર્ણન કરતી કરતી અનુપમા અટકી ગઈ. એને ગળે ડૂમો વળી ગયો. એ નીચે જોઈ ગઈ. અને પછી છેલ્લું મર્મબાણ છોડ્યું: “તે છતાં જેઠજીએ તો કહ્યું છે કે ભલે આવતા બિચારા ! બિચારા બનીને આવવું હોય તો ધોળકું તમારે માટે તૈયાર છે. મારા પિયરને રાંકડું શરણાગત બનાવીને હું લઈ જઈશ. પણ બિચારા તે સદા બિચારા જ રહેશે અને ધોળકાનાં લોક એ બિચારાની દયા ખાશે ! બિચારાનું સ્થાન સદા બિચારું જ રહેશે. મારું પિયર – મારું ચંદ્રાવતી ત્યાં બિચારું બનશે !