આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
212
ગુજરાતનો જય
 

પગલું પરમાર ભાઈઓનો પ્રજાપ્રેમ અને આવડત બતાવતું હતું. એણે કહ્યું: “બહેન, કેસરિયાં કરવાનું તો આજે હવે ક્ષત્રિયોને પણ નથી કહેવાતું, તો વણિકોનો શો વાંક ! ને સતત ભયમાં જીવનારાઓ વાણિજ્ય ન જ ખીલવી શકે.”

“જા, સોમ !” પ્રહલાદનદેવે મૃગચર્મ પર ઊભાં ઊભાં પોતાની સામેના મૃગચર્મ પર બેઠેલા સુંદર બલિષ્ઠ યુવાનને રજા આપી, “આજે તને આ મહેમાનના માનમાં રજા છે.”

અઢારેક વર્ષનો એ સોમ પરમાર ધારાવર્ષદેવનો પુત્ર હતો. એણે ખભે નાખેલું ઉત્તરીય નીચે સરી પડીને એના માંસલ સ્નાયુઓ દેખાડી દેતું હતું. એની ગરદન, નહીં બહુ ભરેલી તેમ નહીં બહુ પાતળી, સહેજ લાંબી હતી. એણે ધીરે અવાજે કાકાને કહ્યું: “મંત્રીશ્વરનું 'નરનારાયણાનન્દ' કાવ્ય આપ એકલા તો નહીં વાંચી લોને? મારે પણ એ સાંભળવું છે.”

“હા, પણ તેં બાપુનો પાઠ પાકો કર્યો નથી ત્યાં સુધી એ કાવ્ય સાંભળવા નહીં મળે. જાઓ. ચંદ્રાવતી સુધી એકશ્વાસે ઊતરીને ચડી આવો.”

સોમકુમાર ઊઠીને, અનુપમાને નમન કરી ચાલતો થયો. : અનુપમાએ કહ્યું: “એમને તો કોઈક વાર ધોળકે મોકલો.”

“આવશે. હજુ એની તાલીમ પૂરી નથી થઈ. વીરતા અને વિદ્યાનાં બેઉ પલ્લાં સમતોલ થયા વગર બહાર કાઢીએ તો એને બહારનાં માનપાન બગાડી મૂકે. ને અનુપમા, આજ સુધી એકલું શરીરનું શૂરાતન ચાલ્યું. પણ હવે તારા જેઠની આણ. હેઠળ અમ રાણીજાયાઓની કસોટી કપરી બની છે.”

એ શબ્દો સાંભળતાં જ અનુપમાને કુંવર વીરમદેવ સાંભર્યો, પણ એ ચૂપ રહી.

“ચાલો, હવે આપણે સોમની માતા પાસે જઈએ.” એમ કહીને ધારાવર્ષદેવે અનુપમાને સાથે લીધી. પોતાને બે પત્નીઓ હતી.

ગઢ ઉપર ફરતાં ફરતાં એક સાંકડો ગુફા મારગ આવ્યો. ત્યાંની ચોકી વટાવી મહામંડલેશ્વરે અનુપમાને એક અર્ધઅંધારિયા ભોંયરા તરફ લીધી. ભોંયરાને છેડે એક કોટડી હતી. એ કોટડીના આછા પ્રકાશમાં તાળાબંધ બારણાની પાછળ બેઠેલા એક કેદી તરફ ધાર પરમાર અનુપમાને લઈ ગયા. અનુપમાથી બોલાઈ ગયું –

"આ – આ અહીં ક્યાંથી?”

“તું એને ઓળખે છે?” ધારાવર્ષ ચકિત બન્યા.

"મેં આને ધોળકામાં દીઠેલો લાગે છે. પણ ત્યાં એને આ દાઢી નહોતી. આ તો તુરુષ્ક (તુરક) લાગે છે. મારી ભૂલ થતી હશે!”