આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
214
ગુજરાતનો જય
 

ઉત્તાપ એનામાં જેમણે અગાઉ કદી નહીં દીઠેલો તે ચાકરો એના માર્ગ આડેથી આઘા સરી ગયા.

"આપને દૂભવવા બદલ રાણક પ્રાયશ્ચિત્ત કરશે, પ્રભુ !" અનુપમાએ કહ્યું.

“એ તો મંત્રીએ પણ લખ્યું છે, કે જગત કદી નહીં ભૂલે તેવું પ્રાયશ્ચિત્ત રાણો કરશે; પણ એનું પ્રાયશ્ચિત્ત મને તો ઊલટાનો વધુ પાપભાગી બનાવશેના !”

**

થોડાક જ દિવસ પછી ચંદ્રાવતીથી ફરીવાર આબુ પર ચડીને અનુપમા દેલવાડાના વિમલપ્રાસાદની અડોઅડના જમીનના કટકા પર સોનાના સિક્કા પથરાવતી હતી અને એ સિક્કાનાં ગાડાં ભરાઈ ભરાઈને ચંદ્રાવતીથી ચાલ્યાં આવતાં હતાં. મહામંડલેશ્વર ધારાવર્ષદેવ પણ હાજર હતા.

જમીનના માલિક ગૌગ્ગુલિકો પહેલે પહેલે તો સોનાના માપે જમીન લેવા આવનારી આ ગુજરાતણને જોઈ રમૂજ પામ્યા, પણ પછી એ ગંભીર બન્યા. જમીન ખૂટવા લાગી હતી. દ્રમ્મનાં ગાડાંની અખૂટ હેડો ચાલી આવતી હતી. આખરે જમીનના સ્વામીઓએ જ આડા હાથ દઈને કહ્યું કે “બસ, બાઈ, તમે તો આખો ડુંગરો ખરીદી લેશો એવી અમને બીક લાગે છે!”

વાત એમ બની હતી કે તે દિવસ ચંદ્રાવતીના મહાજન સાથે પોતે આવેલી ત્યારે જમીનની કિંમત સાંભળી અનુપમાએ અશક્યતાની લાગણી અનુભવી મોં પર નિસ્તેજી ધારણ કરી હતી, તે વાતની જાણ સ્તંભતીર્થમાં વસ્તુપાલને ગુપ્તચર દ્વારા થઈ ગઈ. મંત્રી મારતે ઘોડે ધોળકે આવ્યા. તેમણે તેજપાલ સાથે મંત્રણા કરી અને નિર્ણય કર્યો કે હવે તો જમીન લેવી જ લેવી, ન લેવાય તો નાક કપાય !

ધાર પરમાર પર ચિઠ્ઠી લખી, તાતી કરભી (સાંઢણી) વહેતી કરી લખ્યું હતું કે અનુપમાને જેટલું જોઈએ તેટલું દ્રવ્ય અમારા અંગત હિસાબે ચંદ્રાવતીમાંથી એકત્ર કરી આબુ પર પથરાવી આપજો.