આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
224
ગુજરાતનો જય
 


ઘરાણાં ને દાગીના કોઈને ઘરમાં સંતાડવાની જરૂર નથી; યાત્રિકોની રક્ષા રાણા વીરધવલનાં સાથે ચાલનારાં અજિત સૈન્યો કરશે. ગુલતાનપ્રેમી જીવડાઓ ! ગભરાશો નહીં, સંઘની સાથે ભોજકો ને ગાયકો, નાટ્યવિશારદો ને વિદૂષકોની પણ જોગવાઈ કરી છે. પડાવે પડાવે રંગભૂમિઓ ખડી કરશું, રાસો ને વાર્તાઓ મંડાવશું, ગાન તાન ને ગુલતાન કરશું. માટે આવો ! આવો ! દળબળ બાંધીને, વૃંદે મળીને, વસ્ત્રાભૂષણે ભાંગી પડતા પધારો.

ફક્ત શ્રાવકો જ શા માટે, શ્રાવકેતરો પણ પધારો ! કેમ કે એકલાં જૈનધામો જ નહીં, પણ રેવતગિરિ ગિરનાર અને ચંદ્રમૌલિ પ્રભુ મહાદેવનાં સંતાપહર શીળા પ્રભાસ સુધીનું આ તો 'મહાપર્યટન' છે.

દેશદેશાન્તરોમાં ખાસ દોડાવેલા સેંકડો સંદેશવાહકોએ આવા એક મહાન સંકલ્પની સૌને જાણ કરી, અને અઠ્ઠાવીશ વર્ષોથી અણખેડ્યા પડેલા સૌરાષ્ટ્રી દેવતીર્થોના કેડા પાછા ઊઘડતા જાણીને જનસમાજ ઉલ્લાસમાં આવી ગયો. આખા ભારતવર્ષનો પુનિત યાત્રાપ્રદેશ આ સુરાષ્ટ્ર દ્વીપકલ્પ મહારાજ ભીમદેવના ગાદીએ બેસવા પછી રફતે રફતે તસ્કરો ધાડપાડુઓને જ સોંપાઈ ગયો હતો. એકલપંથીયાત્રા તો અશક્ય બની હતી, પણ સંઘોનાં સ્વપ્નાં જ બની ગયાં હતાં, મંદિરોની ઇમારતોમાં બાકોરાં પાડીને ઘુવડો બેઠાં બેઠાં ધૂકતાં હતાં, ને પુનિત ડુંગરાઓની તળેટીઓ વરુઓએ ને વાઘોએ ચાટીને ત્યજેલાં ગાય-ભેંસોનાં કરકાં (હાડપિંજરો)થી ઢંકાયેલી હતી. ગાન ત્યાં કેવળ હોલાં ને ચીબરીઓનું રહ્યું હતું; મર્દન ને અર્ચન તો કેવળ હિંસક પશુઓનાં મોં ઉપર રુધિરનું જ રહ્યું હતું. નાચ તો દેવોની નજીક કેવળ શિયાળોના જ થતા હતા, અને ઝંકાર તો કેવળ લૂંટણહાર ઠાકરોએ કેદ કરેલા બંદીવાનોની બેડીઓના જ બજતા હતા.

સોરઠના સીમાડાના નામ માત્રથી દૂર દૂરના પ્રભુપ્રેમી પ્રજાજનો થરથરી ઊઠતા હતા. તેમને કાને થોડાંક વર્ષોથી સમાચાર તો પહોંચ્યા હતા કે ઉદ્ધારકો જાગી ઊઠ્યા છે. વામનસ્થલીના ડાકુ રાજપિયરને પોતે જ આગળ ચાલીને શિક્ષા કરાવનાર રાણકી જેતલદેવીનું અને એના સ્વામી વીરધવલનું નામ મેવાડ ને દક્ષિણાપથ પર્વતનાં માનવીઓની જીભે રમતાં થયાં હતાં. વાઘદીપડાથીયે વધુ વિકરાળ એવા સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રદેશના ઠાકોરોને ઠાર મારનાર અથવા કબજે કરનારા બે વણિક ભાઈઓએ દૂર અને નજીક સર્વત્ર વિસ્મયભર્યો આનંદ પ્રસરાવ્યો હતો. અને જેના નામમાત્રથી ગર્ભિણીના ગર્ભ પડી જતા તેવા ગોધ્રકપતિ ઘુઘૂલને મળેલી જીભ કરડીને મરવાની ગતિને માટે તો ધોળકા અજબ આશ્ચર્યકર ગણાયું હતું. સ્તંભતીર્થના સદીકની પ્રાણહારક ચંપી કરનાર અને ભૃગુકચ્છના માનવદૈત્ય