આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાલો માનવીઓ !
225
 

શંખની આબરૂને સાગરતીરની રેતમાં રોળનાર મંત્રી વસ્તુપાલે જ આ નોતરાં કાઢ્યાં છે તેથી પ્રજાને વિશ્વાસ બેઠો, તીર્થોની વંદના સાથે વીરોના દર્શનનું પણ આકર્ષણ વધ્યું, જેતલ અને અનુપમા જેવી જોગમાયાઓને મળવાનું પણ કૌતુક જાગ્યું.

ચાતુર્માસના સ્થિરનિવાસથી મોકળા થયેલા જૈન સૂરિઓ પોતપોતાનાં શિષ્યમંડળો સાથે ઠેર ઠેરથી ધોળકા તરફ પગપાળા વિહાર કરી રહ્યા હતા. એમની સંખ્યા બે હજાર ને સાતસોની હતી. તાજા લોચે કરીને તેજસ્વી બનેલાં તેમનાં મુંડિત મસ્તકો અને તેમનાં શ્વેત પીળાં પરિધાનો, રજોહરણો, તેમ જ લાલ લાલ પાતરાં માર્ગે માર્ગે ભાત પાડતાં આવે છે. પરંતુ રખે તેમને એવો ગર્વ ઊપજે કે આ સંઘ તો તેમનો એકલાનો જ ઇજારે રાખેલ હતો ! વસ્તીથી વેગળા જઈ નગ્નદેહે વસતા ક્ષપણકો (દિગમ્બર સાધુઓ) પણ એક હજાર ને એકની સંખ્યામાં પોતાના દેહને માત્ર એબ પૂરતાં ઢાંકી દઈ બાકીનાં ખુલ્લાં શરીરે ધોળકાના કેડાને અવધૂતોની ખુમારી આરોપતા આવી રહ્યા હતા. એકસો નગરોના સંઘોએ તો પોતપોતાનાં દેવાલયો પણ સાથે લીધાં હતાં. તેમની પ્રત્યેકની સાથે ગાતા, બજાવતા ને નૃત્ય રમતા આવનારાઓમાં ત્રણ હજાર તો ગાયકો હતા, અઢારસો વાજિંત્રો હતાં, તેત્રીસસો ભાટ અને એક હજાર ચારણો હતા.

હાતીદાંતના રથોમાં બેસીને સવા બે હજાર કોટ્યાધિપતિઓ નીકળ્યા. પાંચસો પાલખી ઉપાડીને આવતા ભાઈઓના તાલબંધ શબ્દોએ સૌરાષ્ટ્રના કેડા ગજાવ્યા. બે હજાર પોઠિયા પર અન્નની પોઠો લાદીને માળવા તરફથી વણજારા ઊતર્યા. તેમના મારગ રૂંધનાર મહીકાંઠાનો લૂંટારો ઘુઘૂલ હવે જીવતો નહોતો. ગોધ્રકપુરની ડાકુટોળી વેરવિખેર થઈ ગઈ હતી.

ધોળકાની ધર્મશાળાઓ અને સર્વ દેવમંદિરો યાત્રાળુઓથી ઊભરાઈ ગયાં હતાં. દસે દરવાજાની ભાગોળે વિસ્તીર્ણ ભૂમિ પર નવાં જાણે કે ચાર નગરો થોડા દિવસોની અંદર ખડાં થયાં હતાં. રાજદુર્ગની અટારીએ ચડીને રાણો વીરધવલ અને રાણી જેતલદે આ જીવતા સિંધુનું મંદ મંદ ગર્જન સાંભળતાં અને માનવતરંગો નીરખતાં થંભી રહ્યાં હતાં. માઘની પૂનેમ હતી. ખેડુરાજાએ સ્વપ્ને પણ ન સેવેલ એવું એક સાર્વભૌમત્વ અનુભવ્યું.