આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચક ભટરાજ
231
 


"જવા દીધા?”

“અરે, મને કોણ ના પાડે? એક તો ઓળખાણ ને બીજું એમનેય સ્વાર્થ.”

“સ્વાર્થ શાનો વળી?”

“આ માળવાની વાતો જાણી લેવાનો.”

“ન કહીએ, હો ભટરાજ ! એ રાજખટપટમાં ન પડવું, એઈને સુખેથી જાત્રા કરો ને !”

"અરે હું તે કરું? ગમે તેમ તોય માળવા મારું ઘર. એનો ભેદ હું જીવ જાય તોય ન આપું.”

“રાજ્યો વચ્ચેના વિગ્રહની વાતો કરીએ જ નહીં ભટરાજ ! એ તો મહાપાપનો પ્રકાર છે. મરશે એ તો ! કરશે તે ભરશે.”

"ના પણ મારો તો જીવ બળે છે, શેઠાણીજી કે આ સિંઘણદેવ જાદવ ત્રાટકે તો શું થાય ગુજરાતનું? પાકી કેરીની જેમ ખરી પડે તેવું છે આંહીંનું કમઠાણ.”

"સિંઘણદેવ ત્રાટકે? શી વાત કરો છો? ક્યાં દેવગિરિ ને ક્યાં ધોળકું? અરહંત અરહંત કરો ! આંહીનો દુર્ગ તો વજ્રનો કહેવાય છે. તમને ખબર ન હોય કે એની સજાવટ ક્યાં સંતાડી હશે.”

"મને ખબર ન પડે? તો તો તમે ખાંડ ખાવ છો. તમે કહેતાં હો તો વિગતવાર વર્ણવી દેખાડું કેટલાં શસ્ત્રો છે ને કેટલા હાથી, ઘોડા ને લડવૈયા છે.”

"આપણે એ વાતથી શો સંબંધ છે, ભટરાજ? ચાલો હવે, એ જે હો તે હો. કાલે તો સંઘ ઊપડશે.”

“હા, ને સંઘમાં જ મોટા ભાગનું સૈન્ય જોડાઈ જશે. અહીં તો પાછળ રહેશે બધું, ચુડેલના વાંસા જેવું.”

“એવું ન બોલો. જે જોયું હોય તે પેટમાં રાખો, ને હવે અરહંતનું નામ લઈ ઊંઘી જઈએ.”