આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
14
સુવેગ ફાવ્યો

બિછાનામાં માલવી ભટરાજને માથાના તાળવા સુધી લાય લાગી ગઈ હતી કે પોતે આ શેઠ-શેઠાણીના પેટનું પાણી લેશ પણ માપી શક્યો નથી. એને એમ પણ શંકા થવા લાગી કે પોતે આ શેઠના સંબંધમાં કાંઈક નિશાનચૂક થયો છે. પોતાની બેવકૂફી પર એ ચિડાતો ચિડાતો પથારીમાં ચુપચાપ જાગતો પડ્યો રહ્યો. એણે ગાઢ નીંદર આવી ગઈ હોવાનો ઢોંગ કર્યો, નસકોરાં વહેતાં મૂક્યાં, અને ઊંઘમાં બબડાટ આદર્યા. એ બબડાટની બોલી ગુર્જરી નહોતી, માલવી પણ નહોતી, બેચાર બોલીઓનું મિશ્રણ હતું.

અંધારે એની નજર આ બબડાટની અસર પકડવા, ઉંદરને પકડવા બિલ્લી તાકે તેમ તાકતી હતી. એણે જોયું. પેલા શ્રેષ્ઠી અને સુંદરી આવીને દૂર ઊભાં ઊભાં કાન માંડી રહ્યાં હતાં.

માલવી ભટરાજે થોડી વારે પડખું ફરીને ફરી પાછો મિશ્ર બોલીમાં બબડાટ આદર્યો. તૂટક તૂટક શબ્દો વચ્ચે એણે એક સૂક્ષ્મ સંકલના થવા દીધી. એ સંકલના કંઈક આવી હતી:

"જી હા, પ્રભુ ! મેં પાકી તપાસ કરી છે. ધોળકામાં આટલા ગજો, આટલા ઊંટ, આટલા અશ્વો ને આટલા પદાતિ (પાળા સૈનિકો) છે, આટલું અનાજ છે, ને આટલો શસ્ત્રસરંજામ છે. આપ અટકી જજો. ગુર્જર સૈન્યની તૈયારી ભયંકર છે, સિંઘણદેવ ભલે આવતો ને મરતો.”

અંધારે ઊભેલાં બેઉ જણાંએ એકબીજાને મૂંગાં અભિનંદન આપ્યાં, હર્ષની હળવી તાળી પાડી. થોડી વાર બેઉ ઊભાં રહ્યાં. પછી પોતાના સૂવાના તંબૂમાં પેઠાં ને ત્યાં મંત્રણા કરી. એ મંત્રણાની ભાષા પણ ગુજરાતી મટીને દખ્ખણી બની ગઈ હતી:

“નક્કી, આ પણ ક્યાંકનો ચર લાગે છે.”

"પણ મૂરખ છે. નહીં તો બબડે?”

"પણ આજ લગી આપણને કેવી ચાલાકીથી થાપ દેતો હતો!”