આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
234
ગુજરાતનો જય
 

સુખપાલને બહાર લેવાને બહાને, ટૂંકા ને સલામત રસ્તા પર ચડાવી દેવાને બહાને નગરના દુર્ગ તરફ દોર્યો. પેલો કાંઈક વહેમાયો કે આ રસ્તો બહાર કાઢવાનો ન હોય ! એણે કહ્યું કે “હવે અમે અમારી જાણે ચાલ્યા જઈશું, તમે પાછા વળો.” પણ ભટરાજ એમ પાછા વળે તેવા ન દેખાયા. એમણે એ માણસના શરીરને પોતે પ્રેમ અને રક્ષણવૃત્તિથી બગલમાં લેતા હોય તેમ શરીર ફરતો હાથ લપેટી લઈ જેવો બીજો હાથ અંધારે એનાં કપડાં નીચે પેસાડવા માંડ્યો તેવો જ એ માણસ સંકોડાયો. અને છંછેડાઈ બોલ્યો: “શું કરો છો તમે? છોડો, છેટા રહો!”

“અરે ભાઈ! હું આપને –" માલવી ભટરાજ એટલું બોલે તે પહેલાં તો બુઢ્ઢો પાલખીમાંથી કૂદી પડીને પ્રચંડ કોઈ મલ્લના રૂપમાં આવી ગયો અને એક ઘુરકાટ સાથે છૂટો થયો. ભટરાજ પોતાના હાથનો ડંડો ઉઠાવે તે પહેલાં તો બેઉ સુખપાલ ઉઠાવનારાઓએ એને બાથ ભીડી લીધી. ભટરાજનું કામ કપરું બન્યું. એણે વેવલાઈનો ઢોંગ ત્યાગીને પોતાની લાતો તેમ જ માથાની ઢીંકો વરસાવવા માંડી. પણ એનો પ્રયાસ આ ત્રણમાંથી એકને પણ પલાયન ન કરવા દઈ, પડાવમાં હોહા થતી અટકાવી કોઈક મદદ આવી પહોંચે ત્યાંસુધી પોતે બચી જવાનો હતો.

એકાએક એનો પોતાનો જ ડંડો એની બગલ સાથે ભીંસાયો, એના હાથનું જોર નરમ પડ્યં, એ નીચે પટકાયો, અને એક પલકમાં તો એનું ગળું પેલા પલીતના હાથ વચ્ચે ચેપાઈ જવાની તૈયારી હતી. તેટલામાં માલવી ભટરાજને એક જ નાનો પેચ અજમાવવાની તક સાંપડી. એ પેચ પેલા પલીતને ઉથલાવી પાડી શક્યો. માલવી ભટરાજનો વારો એના ઉપર ચઢી બેસવાનો આવ્યો, પણ એણે પેલાના હાથમાં ચકચકતી ખુલ્લી કટાર ભાળતાં ભયનો પ્રસ્વેદ અનુભવ્યો. એ કટાર માલવી ભટરાજના પેટમાં પરોવાઈ જવાને વાર નહોતી.

એ જ પળે કટાર હુલાવવા ઊપડેલી એ નીચે પડેલા માણસની બરાબર ભુજા પર કોઈકનો પગ દબાયો. પગનો દાબ અનોખો હતો. મૂઠી છૂટી ગઈ ને કટાર નીચે પડી ગઈ.

માલવી ભટરાજે ઊંચે જોયું. પેલાની ભુજા પગ હેઠળ દાબીને ઊભેલ એક પુરુષ અંધારે ઊભો હતો. એને મોંએ બુકાની હતી. એનો ચહેરો તો પરખાયો નહીં પણ એણે ભટરાજને ફક્ત આટલું જ કહ્યું: “તું ધોળકાનો છે?”

“જી હા” માલવી ભટરાજની પાઘડી દૂર જઈ પડી હતી અને એનો દેખાવ પણ બુઢ્ઢા જેવો મટીને જુવાનીનો મરોડ દાખવતો હતો. નીચે પડેલા માણસને પણ વિસ્મય લાગ્યું કે પોતે જેની સાથે લડતો હતો તેને બદલે આ તો કોઈ જુદી જ સિકલ નીકળી પડી !