આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
15
મહામેળો

વિ. સં. 1276ના માઘ મહિનાની એ અંધારી આઠમ હતી. યાત્રાસંઘ તલપાપડ ઊભો હતો. ધોરી અને ઘોડા, હાથણીઓ અને સાંઢ્યો, થનક થનક પગે ઊપડવા આતુર હતાં. બ્રાહ્મણોની કતારો વેદના ઘોષ કરતી હતી. ભોજકો ગાતા હતા. ચારણો પ્રશસ્તિના છંદો લલકારતા હતા.

સૌની આગળના સુશોભિત એક રથમાં પ્રભુનું દેવાલય સ્થપાયું. દેવને માથે ત્રણ છત્રો ધારણ થયાં. સૌભાગ્યવતી સોખુએ ને લલિતાએ હાથમાં ચામર લઈને અંગને એક પ્રકારના નૃત્યમરોડમાં હિલોળીને દેવમૂર્તિ પર વીંજણા ઢોળ્યા, તૂરીભેરીના નાદ થયા, અને દેવરથના પૈડાંનું પહેલું ચક્કર ફર્યું, પછવાડે હજારો પૈડાંએ આંટો લીધો, સાંઢ્યોએ કણકાર કીધા.

જમણે પડખે ગઢ ઉપર બેઠેલી દુર્ગા બોલીઃ “રથ થોભાવો !”

સંઘપતિ વસ્તુપાલે આજ્ઞા આપી અને શુકનાવળિને પૂછ્યું: “પંખીએ શું ભાખ્યું?”

પ્રભુ!” કાગરાશિયાએ ઉકેલ આપ્યો, “દુર્ગા દુર્ગની દીવાલના સાડાબારમા થર પર બેઠી છે. આપના ભાગ્યમાં સાડીબાર જાત્રાઓ સૂચવેલ છે, બાર પૂરી ને એક અરધી.”

“અરધી ! એનો શો અર્થ?”

“એ આજે નહીં, પછી કહીશ, પ્રભુ !”

વસ્તુપાલ પામી ગયો. એણે દેવરથને ફરી હંકારવાની રજા આપી, પણ પોતે વિધાતાના અરધા આંક પર ધ્યાન ઠેરવી લીધું. છેલ્લી યાત્રા શું અધવચ્ચે પૂરી થવાની હશે?

પાંચસો કુહાડિયાને પાંચસો કોદાળિયા મળીને એક હજાર મજૂરોની બે હજાર લઠ્ઠ ભુજાઓ ઊંચકાતી હતી. એક હજાર ઓજારોનાં પાનાં પૃથ્વી પર પડતાં હતાં.સસલાની પણ ખાલ ઉતરડી લ્યે એવી ગીચોગીચ કાંટાળી ઝાડીઓ વચ્ચે પહોળો રસ્તો, એ હજાર હથિયારોની ઝીંક ઝીકે પડતો જતો હતો. ઝાડીઓનાં