આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહામેળો
241
 

"જી, આ બાજુ.”

"ને મારી માતાના નામની તળાવડી?”

"જી, એ તો રેવતગિરિ પર.”

“ત્યારે શું અહીં માતાનું કોઈ સ્મારક નહીં? આ સિદ્ધાચલની છાયામાં મારી બા...” એમ બોલતો બોલતો વસ્તુપાલ પ્રકૃતિલીલામાં પોતાની જનેતાના રસરૂપગંધની કલ્પનાને અનુભવતો, નાક વડે કોઈ સુગંધ લેતો, ચક્ષુઓમાં કોઈકની છબી ઝીલતો એકાગ્ર બન્યો.

શોભનદેવે પણ આ પ્રશ્નનો કશો જવાબ દીધા વગર વસ્તુપાલની પાછળ પાછળ પગલાં ભર્યા; પ્રત્યેક પગલે શત્રુંજયની લીલા વિસ્તરતી હતી. લૂખો ને સૂકો. એ ડુંગરડો, ચાર મહિના પહેલાં વરસી ગયેલી વાદળીઓની થોડીઘણી લીલી સાંભરણો સમી હરિયાળીને હૈયે ધરી રહ્યો હતો. પછવાડે આવતાં લલિતા, સોખુ ને અનુપમા એને આંબી ગયાં. મંત્રીશ્વરે અનુપમાને કહ્યું: “રાણાને ઠીક સંભળાવ્યું તમે તો.”

“આપે ક્યાંથી જાણ્યું?” અનુપમાએ નીચે જોઈને લજ્જાભેર પૂછ્યું.

“જાણવાના સાધનો ન રાખું તો તો આવી યાત્રાઓ કેમ જ માણી શકું? એ તો પધાર્યા છે મજૂરરૂપે, ભિક્ષુકરૂપે, આપણી ફનાગીરી નિહાળવા. સારું સારું, ભોળિયા રાજા કરતાં ચતુર ને ચબરાક, થોડોક અવિશ્વાસુ ધણી જ સારો. પોતે જાગ્રત રહે ને આપણનેય સાવધ રાખે.”

"તમારે તો બેઉને રાજપ્રપંચની જ વાતો !" લલિતાએ ત્રાસ અનુભવતે કહ્યું, “અહીં તીર્થાટને આવીને તો એ લપ છોડો.”

“તો ઘણીય લપોને છોડું, લલિતા ! પણ લપો મને નહીં છોડે. હવે તો એ લપોમાંથી જ રસ કેળવવો રહ્યો. લપોને છોડી શકીશ તે દિવસ તમને બેઉને પણ શાનો રાખીશ?”

એવા કુટુંબ-વિનોદને મોકળાશ આપવા માટે શોભનદેવ શિલ્પી આગળ ને આગળ ચાલતો હતો; પણ શોભનદેવને પોતાની પાછળ ચાલતા આ પરિહાસની કોઈક નિગૂઢ ચણચણાટી પીઠમાં ચાલતી હતી. શોભનદેવને પોતાને જ ખબર નહોતી પડતી કે આ મંત્રી-પરિવાર એને પોતાના માનાં જણ્યાં જેવો કેમ ખેંચી રહ્યો હતો. એને થતું હતું કે અનુપમાને તો પોતે ઘણાં વર્ષો પૂર્વે ક્યાંઈક જોઈ છે – ઘણાં વર્ષો પૂર્વે એટલે કે પોતાની વય કરતાં પણ વધુ વર્ષો પૂર્વે જોઈ છે, મેળાપ કર્યો છે ને કશોક સંદેશો પણ દીધો છે. અનુપ-સર અને લલિતા-સરનાં શિલ્પ કોતરતાં કોતરતાં એનાં ટાંકણાંએ ન સમજાય તેવી કોઈ સુખવેદના અનુભવી હતી.