આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'ધીર બનો !'
257
 

સાંભળીને વસ્તુપાલ સહેજ ગમ ખાઈ ગયો. અનુપમાએ પોતાનું જોર વધાર્યું: “આ મેળામાં આપ પડાવે પડાવે ફરો છો, સૌનાં મોઢાં તપાસતા હશો. આપ બીજાને ઘેર ગુપ્તચરો ફેરવો છો તેમ આપણા શત્રુઓને પણ શું નહીં આવડતું હોય? આંહીં કોણ હેતુ છે ને કોણ શત્રુ એ કોને ખબર? એ બધા કાંઈ સંઘમાં ભંગાણ પાડવાનો ને સૌરાષ્ટ્ર ઠાકોરોને ઉશ્કેરવાનો લાગ જતો કરશે?”

વસ્તુપાલ ટહેલતો બંધ થઈને ઊભો ઊભો પગના અંગૂઠા વડે ધરતી ખોતરવા લાગ્યો એટલે અનુપમાએ ઉમેર્યું: “સંઘને પગલે પગલે સૌરાષ્ટ્રવાળાઓ આપની શક્તિના અંબાડમાં અંજાતા આવે છે. એ અંબાડ આપની પીઠ ફર્યા ભેળો જ ઊડી જશે.”

“તો શું ધોળકા ને પાટણનો નાશ થવા દઉં?” મંત્રી ટહેલતા ટહેલતા અનુપમાની દલીલે અકળામણ પામી બોલતા હતા.

“પણ આપ પાછા જશો તોયે શો બચાવ કરી શકશો? આપે કહ્યું કે ઉપરથી ને તળેથી બેઉ તરફથી ચંપાવાનું છે !”

"હા, પણ એ સૈન્યની ને સંગ્રામની વાત –" મંત્રી બડબડતા હતાઃ “– હું તમને શી રીતે સમજ પાડું? તમારી અક્કલ કેટલે સુધી –"

એવી ત્રુટક વાક્યમાળા બોલતાં ધગેલો વસ્તુપાલ એકાએક શરમાયો. એણે અનુપમાનું એક હળવું હાસ્ય સાંભળીને ઊંચે જોયું. અનુપમાની મુખમુદ્રા જાણે એની મૂંગી મશ્કરી કરતી હતી. જે અનુપમાએ સૌરાષ્ટ્રમાં જો સંઘ રેઢો મુકાય તો તેનાં ભયસ્થાનો બતાવી દીધાં હતાં, જે અનુપમાની બુદ્ધિનો આશરો પોતાની માતાએ ને પોતે વારંવાર વ્યવહારમાં સમસ્યા-ઉકેલ માટે લીધેલો, તે જ અનુપમાની અક્કલ પ્રત્યે તોછડાઈ દાખવવાનો આ પહેલો જ પ્રસંગ હતો.

“કેમ હસો છો? તમારે કંઈ કહેવું હોય તો હું સાંભળું." વસ્તુપાલે સ્વરમાં સહેજ કૂણાશ મૂકી.

“આપ એક વાર જેવા છો તેવા ધીર તો બનો ! તો કાંઈક સૂઝ પડશે.”

એ ધીરત્વને ફરી ધારણ કરવા વસ્તુપાલ શરમાઈને મથવા લાગ્યો. એણે ધરતી ખોતરવાનું પણ છોડી દઈ મોં પરની તંગ રેખાઓને ઢીલી કરી.

અનુપમાએ કહ્યું: “આપની ધીરતાને અત્યારે ન ડગવા દેતા.”

વસ્તુપાલને એ વાક્યે બળવાન બનાવ્યો. એણે પૂરી શાંતિ પ્રાપ્ત કરી.

"આપે નહીં, એમણે જ જવું જોઈશે.” એમ કહેતાં અનુપમાએ પોતાના, ઊંધું માથું રાખીને ઊભેલા સ્વામી તરફ દ્રષ્ટિ ચીંધાડી. પત્નીના એ બોલે તેજપાલના નિસ્તેજ ચહેરામાં નવું તેલ પૂર્યું. એણે માથું ઊંચું કર્યું. અનુપમાએ ફરી કહ્યું: