આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
20
યવનો કેવા હશે !

છૂપા વેશે સંઘની ચેષ્ટા જોવા ગયેલા રાણા વીરધવલને લઈને સાંઢણી પાછી વળતી હતી. પાછલા પલાણમાં બેઠેલ રાણાનું મન સ્વસ્થ નહોતું. સૈન્યને તૈયાર કરીને ક્યાંક ચડવાનું ગર્ભિત સૂચન વસ્તુપાલે કર્યું હતું. ક્યાં ચડવાનું હશે? યવનો તો નહીં આવતા હોય?

પોતાના જુવાન સાંઢણી-સવારને એણે પૂછ્યું: “હેં રાયકા, તેં યવનો જોયા છે?” એના પૂછવામાં પણ ફફડાટ હતો.

“અહરાણને?” રાયકાએ બિલકુલ સાદો જવાબ વાળ્યો, “ના બાપુ, અહરાણને તો મોટા બાપુએ આંઈ રેવા જ ક્યાં દીધા છે? તગડી મૂક્યાને ભૂંડે હવાલે.”

“તું પાટણમાં હતો ને નથી જોયા” સાંઢ પર વીરધવલ જાણે ચમકતો હતો.

"ના જી, અમે આઠ વર્ષના હતા ને અહરાણે એ પાટણ તોડ્યું તે વેળા મારા બાપે અમને ગામડે મોકલી દીધેલા. પછી તો અમે પાટણ પાછા ચાર વર્ષે આવ્યા ત્યારે તો એને મારીમારી ખાલ પાડીને બાપુએ તગડી મૂકેલા દલ્લી ભણી.”

"બાપુએ ! મારા બાપુએ !” વીરધવલના અવાજમાં રણકાર બદલાતો હતો.

“હા, રાણા ! બાપુએ કુતબુદ્દીન ઘોરીના સૂબેદારોને કેવા બરડાફડ ઝાટકા લગાવ્યા હતા. ને બાપુએ પોતાના ઘોડાને બાદશાહી હાથીઓનાં દંતૂશળો માથે પગ ટેકવાવી અંબાડીએથી મ્લેચ્છોને કેવા ભાલાની અણીએ ઉપાડી લીધા હતા તેના તો અમારે રબારીની છોકરીઓ ગરબા ગાય છે.”

એ કહેતાં કહેતાં રાયકો પણ સાંઢ્ય પર ટટ્ટાર થઈ જવા લાગ્યો ને સાંઢણી પણ એના શબ્દો પકડતી હોય તેમ વેગ વધારતી ગઈ. વીરધવલ બીતો હોય તેમ વધુ બોલવા લાગ્યો: “પણ બાપુ યવનોને પહોંચ્યા હશે કેમ કરીને? જેણે મોટા ભીમદેવ મહારાજને તગડ્યા, જેણે આ ભીમદેવમહારાજનું બાણાવળીપણું નષ્ટ કર્યું, જેણે ચૌહાણ પિથલદેવનું રાજપાટ લોટપોટ કર્યું, જેણે સૂર્યના વરદાનધારી