આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
21
ભદ્રેશ્વરનું નોતરું

વીરધવલની અને મંત્રીઓની ગેરહાજરીમાં ધોળકે એક પત્ર આવ્યું હતું. એ કાગળ વાંચીને કોઈને પણ જાણ કર્યા વગર જેતલદેવીએ એક ખેપિયો પાટણ લવણપ્રસાદ પર રવાના કર્યો હતો અને વીરધવલને ગોતવા પોતે નીકળી પડ્યા હતાં. લવણપ્રસાદ આવી પહોંચ્યા, વીરધવલને મળ્યા, પણ રાણાએ કે રાણીએ વીરમદેવના તો ખબર જ પૂછ્યા નહીં, ડોસાએ પણ આપ્યા નહીં.

પિતાને મળી કરીને વીરધવલ તેજપાલ સાથે વાતો કરવા રોકાયો. તેજપાલ તાપી-કાંઠાની કૂચ માટે તૈયાર થતો હતો. વીરધવલને સિંઘણદેવનાં પગરણથી વાકેફ કરીને તેજપાલ કૂચ કરી ગયો.

દરમ્યાન જેતલદેવીએ લવણપ્રસાદને પગે લાગવા આવીને એ કાગળ આપ્યો. કાગળ કચ્છની રાજધાની ભદ્રેશ્વરથી હતો, નીચે ત્રણ ચૌહાણ ભાઈઓની સહીઓ હતી. ત્રણેએ વીરધવલને લખ્યું હતું –

'રાણાજી, ભરૂચનો શંખ ખંભાત ભાંગવા આવેલો ત્યારે અમે તમારા પરોણા હતા. પરોણાનો ધર્મ બજાવવા અમે ખંભાતને બચાવવા દોડ્યા ગયા હતા. પછી અમે આપની ચાકરી માગી અને અક્કેક લાખનું વર્ષાસન માગ્યું ત્યારે આપે જવાબ વાળેલો કે એવા અક્કેક લાખમાં તો અક્કેક હજાર ભટો (સૈન્યનાયકો) રાખી શકાય. તો હવે એ ત્રણ હજાર ભટોને લઈને વહેલા ભદ્રેશ્વર પધારો, ને અમારી કિંમત કરો. ન આવો તો દેવોની દુહાઈ છે. ને તમને જો અગવડ હશે તો અમને આવી પહોંચ્યા સમજજો.”

“વીરધવલને વંચાવ્યો છે ?” લવણપ્રસાદે પૂછ્યું. જેતલદેવીએ ના કહી.

લવણપ્રસાદ વિચારે ચડ્યા. ભદ્રેશ્વરનો મંડલેશ્વર ભીમસિંહ પઢિયાર પણ પાટણથી સ્વતંત્ર બની આખો કચ્છ દબાવીને ડણક દેતો હતો. પુનરુત્થાન પામતા ગુર્જર દેશના છત્ર તળે આવવાની એ સાફ ના સુણાવતો હતો. લવણપ્રસાદે મોકલેલી ધમકીઓને એણે ગણકારી નહોતી. ઓછામાં પૂરું, ત્રણેય ચૌહાણ જોદ્ધાઓ ધોળકાની ચાકરી માગવા આવેલા ત્યારે તેનું જે અપમાન થયું હતું તેનો તાકડો સાંધીને