આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
22
સિંઘણદેવ

'સેં'કડો તરાપાની કતાર તાપી નદીના નીરમાં એ સંધ્યાકાળે ઝૂલતી હતી. હાથીઓને વહેનારાં મોટાં વહાણો, અશ્વોને ને ઊંટોને નદી પાર કરાવનારી નૌકાઓ, સૈનિકો સુભટોને ઊતરવાની નાવડીઓ – એ બધાંનો તાપીના સામા કાંઠા પર ઠાઠ મચ્યો હતો. કેટલીક જળવાહિનીઓ તો છેક દૂર કોંકણપટ્ટી ને રત્નાગિરિના સાગરમાંથી આવી હતી, બાકીની ઘણી બધી નૌકાઓ ઉપર ભૃગુકચ્છના બંડખોર મંડલેશ્વર સંગ્રામસિંહના વાવટા ફરકતા હતા.

માતેલા ગજરાજોને અને ઊંચી ડોકવાળા નામી લડાયક અશ્વોને આ જહાજોમાં ચડાવવાની ઝાઝી વાર નહોતી. તે જ ટાણે દરિયાબારા તરફથી એક દીવાવાળું નાનું નાવ દેખાયું, ને તેના ઉપર ઊભેલો એક આદમી 'થોભો થોભો' એવો કોઈક દક્ષિણી વાણીના પ્રયોગો કરતો, એક દીવો ફરકાવતો લાગ્યો.

એ સ્વરોનો અર્થ સમજીને કિનારે ઊભેલા હાથીઘોડાના રખેવાળો થંભી ગયા.

નાવડી નજીક આવી, ને 'થંભો થંભો' બોલતા માનવીની આકૃતિ સ્પષ્ટ બની. કોઈ થોડાબોલો ને પ્રતાપી રાજપુરુષ લાગ્યો.

નાવડીને કિનારે ભિડાવીને એણે ભૂમિ પર પગ મૂકતાં જ સામે ઊભેલા લોકોને, પોતે જાણે પરિચિત હોય એવે સાદે દક્ષિણી ભાષામાં જ સહેજ સ્મિતભેર કહ્યું: “શંભુની કૃપા કે અણીને ટાણે જ પહોંચાયું છે. નહીંતર સત્યાનાશ વળી જાત.ક્યાં છે મહારાજ ?”

પૂછવાની કોઈએ હિંમત ન કરી કે તું કોણ છે ને ક્યાંથી આવે છે. એને સૈન્યના સ્વામી પાસે લઈ જવા માટે એક માણસ આગળ ચાલ્યો. એની પાછળ જતા આ નવીન આદમીએ ગૌરવભર્યા થોડાક જ બોલ કહ્યાઃ “મહારાજની ફરી આજ્ઞા મળ્યા વગર કોઈએ નદી પાર ઊતરવાનું નથી.”

સેનાનો ભટ એને પોતાના ભટરાજ પાસે લઈ જતો હતો. એટલે એણે તરત જ કહ્યું: “મારે એ બારી-બારણાં ને ગલી-કૂંચીઓ વાટે જવાની ફુરસદ નથી. મને સીધો સાંધિવિગ્રહિક પાસે લઈ જા.”