આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિંઘણદેવ
271
 

પણ ટાઢે પાણીએ ખસ નીકળવાનો લાગ છે. ગુર્જર સૈન્યનું કાસળ નીકળે તેવો તાકડો છે.”

"શો તાકડો ?”

“એકાદ-બે મહિનામાં જ યુદ્ધ ફાટી નીકળશે.”

"કોની કોની વચ્ચે ?”

"દિલ્લીશ્વર મોજુદ્દીનના મોકલ્યા મીરશિકાર અને ગુર્જરેશ્વર વચ્ચે.”

"ગુર્જરેશ્વર ક્યાં છે ?”

“એનું લશ્કર લઈને ભદ્રેશ્વર તરફ ધસ્યો જાય છે. તેજપાલ બીજું સૈન્ય ઉપાડીને આબુ તરફ ચાલી નીકળ્યો છે. ધીરે ધીરે ગુજરાત સૈન્યવિહોણી બનતી જાય છે.”

"તો તેં અમને શા માટે થંભાવ્યા છે આગળ વધીને ત્રાટકવાનું તો આ ટાણું છે.”

"કૃપાનાથની દીર્ઘદૃષ્ટિ તો અમાપ છે, પણ સુચરિતજીનું ધ્યાન એમ નથી પહોંચતું, એટલે જ તો મને દોડાવ્યો છેને ! હું દરિયામાં ગળકાં ખાતો ખાતો ને ખારાં પાણી પીતો પીતો અહીં વખતસર પહોંચ્યો છું.”

"સુચરિત શું ધારે છે ?”

“એણે કહાવ્યું છે, અન્નદાતા ! કે આજ ગુર્જર દેશનો કબજો લઈને કાલ પાછા ખાલી કરવું પડે તો દેવગિરિ બહુ દૂર રહી જાય.”

“શી રીતે ?"

“મીરશિકાર અને ગુર્જરેશ્વર વચ્ચેનો વિગ્રહ એ તો ઘોર મહાવિગ્રહ બનવાનો. એમાં ગુર્જરપતિ કાં હારે છે ને કાં જીતે છે. હારશે તો તત્કાળ યવનોનાં ધાડાં ઊતરી પડશે, કે જેની છેડતી કરીને આપણે દેવગિરિનાં નોતરાં નથી દેવાં, ને જીતીને પાછો વળશે તો તો એ એટલો ખોખરો થઈ ગયો હશે કે એને ઉથલાવી નાખવામાં ઝાઝી વાર નહીં લાગે. માટે એને ખોખરો થવાનો સમય આપવો એ જ સુચરિતજીનો સંદેશો છે.”

“તો પછી લાટપતિ સંગ્રામસિંહનું આપણને તેડું છે તેનું શું ધારવું ?”

એનો જવાબ આપ્યા વગર જ એ યુવક બેસી રહ્યો, પણ એણે સૂચક રીતે, પોતાનું મોં બીજી દિશામાં વાળી દઈ મોં પર એક કુટિલ સ્મિત રમાડ્યું.

“કેમ જવાબ વાળતો નથી ?” સિંઘણદેવે પ્રશ્ન કર્યો. પૂછવાનું મન થાય તેવો એ દૂતના મોં પરનો મરોડ હતો.

“કાંઈ નહીં, પ્રભુ ! ફક્ત એકાદ મહિનો આપ આ તાપીને તીરે બરાબર આ