આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
23
ચંદ્રપ્રભા

ચંદ્રપ્રભાનું શું બન્યું હતું તે જાણવા જરા પાછળ જઈએ.

આબુવાળો જુવાન સાંઢણી-સવાર પેલા ગામડાના શિવાલયમાં રાણા વીરધવલની સાથે ટપાટપી કરીને પછી પોતાની પાસેનો પત્ર લઈને તાલધ્વજને ડુંગરે પહોંચ્યો ત્યારે સંઘનો પડાવ શત્રુંજયથી આવીને ત્યાં પડી રહ્યો હતો. પોતે સાંઢણીને પડાવ બહાર રાખીને સંઘના નગરમાં પહોંચ્યો. પહેલું જ એણે મંત્રીને મળી લેવાનું ઠીક માન્યું.

વસ્તુપાલે એની પાસેનું પત્ર લીધું અને પરમાર ધારાવર્ષાદેવના કુશલ-સમાચાર પૂછ્યા. પત્ર ઉખેળતાં ઉખેળતાં પોતે આ યુવાનની સામે બહુ જોયા વગર જ પૂછ્યું: "કુંવર સોમ પરમારનો અભ્યાસ તો ઠીક ચાલે છેને ?”

"હા, પ્રભુ" યુવાને નીચે મોંએ રહીને જવાબ વાળ્યો, “અચળેશ્વરની કૃપાથી ઠીક ઠીક ચાલે છે."

"એમને કેમ મંડલેશ્વરે યાત્રામાં ન મોકલ્યા ?”

"હજુ બાળક જેવા છે, એથી પરમારદેવની હિંમત ચાલતી નથી.”

"બહાર નીકળવા માંડે તો બાળક મટેને !” એમ બોલતા બોલતા વસ્તુપાલે સહેજ ઊંચે જોઈ, યુવાનના મોં પર મીઠાશભરી આંખો ચોડી કહ્યું, “બહાર નીકળશે નહીં, પછી નહીં ઓળખે કે કોણ રાણા વીરધવલ કે કોણ રાણી જેતલબા ! ઓચિંતા ક્યાંક ભટકાઈ જાય તે વખતે પછી કોને ખબર શું બન્યું ને શું નહીં.”

આબુનો યુવાન આ સાંભળી કાંઈક ઝંખવાઈ ગયો. એને પેલા ગામડાના શિવાલયવાળો પોતાનો જ જાતઅનુભવનો પ્રસંગ યાદ આવ્યો. પોતે કોણ છે તે શું વસ્તુપાલ જાણી ચૂક્યા હશે ?

"અરે, આ આબુના મહેમાનનો ઉતારાપાણીનો બંદોબસ્ત કરો, જેહુલ ડોડિયા” એમ કહીને વસ્તુપાલ ઊઠ્યા અને સુવેગને શોધી કાઢી સંદેશો કહ્યોઃ “તું તાકીદ કર. માલવરાજનો ઘોડો નીકળી ચૂક્યો છે ને ભૃગુકચ્છની ઘોડહારમાં બંધાવાને વાર નથી. ગુજરાત-માલવાને ત્રિભેટે તાપી-તીરના ભાંગેલા શિવાલયમાં