આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદ્રપ્રભા
279
 


થોડી જ વારે એ સાંઢણી ત્રણ અસવારોને ઉપાડીને ધોળકા તરફ ભાગી. પાછલા કાઠામાં આ નવી વ્યક્તિ હતી. ને આગલા કાઠામાં બેઉ આબુવાળા બેઠા હતા. આગળ હાંકતા બેઠેલા સાથીને આબુવાસી જુવાને કહી આપ્યું: “ધોળકાને પાદર સવાર નથી પડવા દેવું, હો કે?” એને ડર હતો રાણા વીરધવલનો ભેટો થઈ જવાનો ને પેલા શિવાલયની વાતનો ફણગો ફૂટવાનો.

"તો તો પાડ તમારો.” પાછલા અસવારે પોતાના લાભની વાત જાણીને કહ્યું, “હું ચાહે ત્યારે પણ ધોળકાની દેવડી ઉઘડાવી શકીશ.”

પણ એ બન્નેની ધારણા ભાલની ધરતીએ ધૂળ મેળવી, સાંઢણીને મારગ સૂઝ્યા નહીં. કેડાના કોઈ પાર નહોતા. ભળકડિયો ઊગી ગયો અને પાછલો અસવાર આકળો થવા લાગ્યો. એણે પોતાનો અવાજ બદલી નાખ્યો હતો. પણ જેમ જેમ સૂર્યોદયની આફત નજીક આવતી ગઈ તેમ તેમ એ કલાવંતીની કલાઓ પણ સંકેલાતી ગઈ. એના સ્વરમાં સ્ત્રીનો કંઠ વધુ વાર સંતાઈ ન શક્યો.

આબુવાસી યુવાન બેઉની વચ્ચે બેઠો હતો. તેનું શરીર આ પાછળ બેઠેલા સ્ત્રી-શરીરથી અતિ નજીક હતું. યુવાનને કોઈ ભયકારક ગંધ તો આવી જ રહી હતી, એમાં કંઠના ઝંકાર પકડાયા. એને એક તરફ મારગ અકળાવી રહ્યો હતો, સાંઢણી અણસરખા પગ માંડતી હતી, માર્ગ સૂઝતો નહોતો, એમાં બાઈએ કહ્યું: “તો પછી જુવાન, મને સીધો પાટણ જ લ્યોને !”

આબુવાસી યુવાને પાછળ મોં ફેરવીને એક જ નજરે પાછલા મોંને પરખી લીધું, કંઈક રહસ્ય લાગ્યું અને કોઈક નવી જ જીવનલીલાને નિહાળવા એ જુવાન તત્પર થઈ ગયો. એણે તરત પોતાના આગલા સાથીને કહ્યું: “લાવ દોરી મારા હાથમાં.”

પોતે દોરી હાથમાં લઈ સાંઢણીને એક માર્ગ પર વાળી અને થોડીવારે કહ્યું: "લ્યો આ પાટણનો કેડો.”

ખરી વાતે એણે ઝાલી હતી છેક જ જુદી દિશા. એ પરભારો આબુ તરફ જઈ રહ્યો હતો.