આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
26
બાપુ જીત્યા !

યાદવ સૈન્ય જ્યારે આ માયાવી માલવ સૈન્યનો પીછો પૂર્ણ કટ્ટરપણે લઈ રહ્યું હતું ત્યારે તાપીના પાણીમાં સેંકડો નૌકાઓ કિનારે કિનારે ગોઠવાતી હતી. પ્રભાસપાટણથી માંડી ગોપનાથ સુધીની સાગરપટ્ટીનાં એ મછવાઓ અને વહાણોમાં, ઉપર અનાજની થપ્પીઓ ખડકાઈ હતી અને નીચેના પોલાણમાં શસ્ત્રધારી ગુર્જર સૈનિકો હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતના બીધેલા લોકો તરફથી પોતાને વેઠે મળ્યા કરતી આ ખોરાકીથી યાદવનાથ બડો ખુશ હતો. ઉપરાંત સુવેગે એને ગળે ઘૂંટડો જ એવો ઉતરાવી નાખેલો કે ગુર્જર મંત્રીઓના વિદ્રોહી ઠાકોરો જ આ માલ આપણને મોકલી રહ્યા છે !

યાદવ સૈન્યને માટે અનાજના કોથળાઓ લાવનાર ખારવાઓને વેશે જમા થયેલ ગુર્જર સૈન્ય સુદ એકમની અંધારી રાત્રિએ સિંઘણદેવના બાકી રહેલા લશ્કર ‘ઉપર છાપો લગાવ્યો. યાદવ સેનામાં ભંગાણ પડ્યું. સિંઘણદેવ બાવરો બન્યો, સૈન્યની સાથે જ નાઠો. સુવેગનો પત્તો લગાડવાનો એને સમય નહોતો; સુવેગ અદ્રશ્ય થઈ ગયો હતો. પોતાની સેનાની કતલ થતી જોઈને સિંઘણદેવની છાતી બેસી ગઈ. આગલી બે ચડાઈઓમાં એનું અવિજેય કાળરૂપ જોનારા અને એના નામમાત્રથી ઘરબાર ઉઘાડાં ફટાક મેલી ભાગી જનારા તાપી-તીરના ગુર્જરોએ સિંઘણને નાસતો જોયો, ત્યારે તેમનાં હૈયાંમાં નવી હામ આવી.

"યાદવોની પાછળ આ કોનો દાવાનળ દોડ્યો જાય છે?”

ગામડે ગામડે જવાબ ફરી વળ્યો: “એ છે મંત્રી વસ્તુપાલ અને તેજપાલનાં દળકટકનો દાવાનળ.” એ શ્રાવકડો તો જાત્રાએ ઘૂમતો હતો ને?”

“નહીં, નહીં, હું નહોતો કહેતો કે, એની જાત્રા એ તો લશ્કરની તૈયારીનો વેશ માત્ર હતો"

એ રીતે હું શું કહેતો હતો ને તું શું નહોતી કહેતી એવાં સામસામાં ઉત્સાહવચનો કાઢતી પ્રજા ઉત્તરોત્તર હિંમતમાં આવતી ગઈ, અને નાસેડું લેતી