આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
288
ગુજરાતનો જય
 

યાદવસેનાને સંઘરનાર એક ગામડું પણ રહ્યું નહીં. યાદવસેના ઘેરાઈ ગઈ. એણે શ્વેત ધજા ઊંચી કરી. એના સાંધિવિગ્રહિકો ગુર્જર સૈન્યના સેનાપતિ પાસે વિષ્ટિ લઈ ગયા.

સેનાપતિ તેજપાલે જવાબ દીધો: “મહામંડલેશ્વર રાણા લવણપ્રસાદ પધાર્યા વગર અમારાથી કોઈ સંધિ કરી શકાય નહીં. આપે શ્વેત ઝંડી દેખાડી એટલે તે ઘડીથી જ આપ અમારા શત્રુ મટીને પરોણા ઠરો છો. ઉપરાંત આપ પૂર્વે બે વાર ગુર્જર દેશના વિજેતા બની ચૂક્યા છો એટલે આજ તો હજુ આપનું સન્માન ગુર્જરીને ચોપડે જમા છે. આપ જ્યાં છો ત્યાં જ માનભેર અમારા મહેમાન બનીને થોભો. મંડલેશ્વર જ અહીં આપના મિલાપ માટે આવી રહ્યા છે.”

સેનાપતિ તેજપાલના આ સંદેશાએ ધાડપાડુ ઘાતકી સિંઘણદેવના અંતરમાં ઉમદા શૌર્ય-સંસ્કાર પાડ્યો. બે જ દિવસ પૂર્વે તો એને આવી ગુર્જર ખાનદાની સ્વપ્નવતું અને તરકટભરી લાગેલી. પોતાને બેવકૂફ બનાવી ગયેલો ગુર્જર ગુપ્તચર હાથ આવત તો એને કાચો જ ખાઈ જાત ! એણે પાટણના સર્વાધિકારી લવણપ્રસાદ વાઘેલાના આગમનની વાતમાં ભયના ઓળા નિહાળ્યા હતા. એણે માલવ દેશને માર્ગે ગયેલા પોતાના સૈન્યના પાછા વળવાની વ્યર્થ આશા સેવ્યા કરી હતી. સૈન્યને તો સુવેગ તાપી-નર્મદાનાં કંઈક કોતરોમાં પેલી કલ્પિત માલવ સેનાની પાછળ પદોડી રહ્યો હતો.

અહીં તાપીના તીરપ્રદેશમાં તેજપાલ સિંઘણદેવને ઘેરી વળીને પૂર્ણ મહેમાની અદા કરતો હતો. પણ સિંઘણદેવનું દિલ સ્થિરતા મેળવતું નહોતું. એ પુછાવતા હતા કે, “મારી જિંદગીનો હામી કોણ?”

"આપના જીવના હામી તરીકે હું જ નામ દઉં છું. હામી અમારા ધર્મગુરુ વિજયસેનસૂરિ." એવો જવાબ દઈને તેજપાલે ધોળકા-ખંભાત મુનિજીને ખબર મોકલ્યા.

વૈશાખ સુદ પાંચમ-છઠના પ્રભાતમાં ખંભાતનો અખાત બાળરવિનાં કિરણો નીચે ગુલાબના થાળ જેવો બની ગયો હતો. અને એના ઉપર કાઠિયાણીને શિરે પાતળો સેંથો પડતો હોય એવો લિસોટો પાડતી એક મોટી નૌકા આવતી હતી. એ નૌકા પર પાટણનું રાજચિહ્ન હતું; તે સિવાય કોઈ શણગાર નહોતો, કારણ કે તેની અંદર પ્રવાસ કરનાર પુરુષ પોતે જ રાજા છતાં રાજચિહ્નવિહોણો હતો. ખંભાતથી ઊપડેલી નૌકાના એ મુસાફરો કિનારે ઊભેલા એક જૈન સાધુના ઊંચા થયેલા હાથ સામે નમન કરી રહ્યા હતા; અને એ સાધુ-શરીર દેખાતું બંધ થયું ત્યાંસુધી તેના ઉપર તાકી રહ્યા હતા. એ વિજયસેનસૂરિ હતા. એમણે છેલ્લા શબ્દો