આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરાજિતનું માન
293
 

ઊઠયું. એણે લવણપ્રસાદનો વૃદ્ધ હાથ પોતાના પંજામાં લઈને કહ્યું, “ચાલો બાપુ, ઊઠો. વાઘેલાના કોઈક નબળા ઘેલા સંતાનને સારુ ને આ દગલબાજોના કૂંડાળા વચ્ચે પડેલી ગુર્જરીને કોઈક દહાડો આબરૂ સાથે ક્યાંક જઈ ઊભવા સારુ, એક છેલ્લું પહેલું સ્થાન નક્કી કરી લેવા માટે ચાલો. ઉત્તરાદી ક્ષિતિજનો ભરોસો કર્યા વગર જલદી ઊઠો, બાપુ.”

ફરીવાર એણે ઉત્તર તરફ મીટ માંડી. ફરી એની આંખે તમ્મર અનુભવ્યાં. ક્ષિતિજ જાણે કોઈ વિરાટની લાગણી જેવી લપાઈને રાફડા ઉપર બેઠી હતી ને વસ્તુપાલની કલ્પના નિહાળતી હતી... કોઈક વાઘેલાનો ગંડુ બાળ....કોઈક હૈયાફૂટો પાટણપતિ... ગુજરાતના મુત્સદ્દીપણાનો ભયાનક કોઈ ભાવિ આપઘાત, પરચક્રનાં ધસ્યાં આવતાં અગ્નિરસનાં પૂર, નાસતી ગુર્જરી, એને સંઘરવાની ના કહેતી રાજસ્થાનની ધરતી... ને એની આબરૂના બચાવનો એકમાત્ર માર્ગ આ દક્ષિણાપથ.

“ગરવા રહેજો.” એણે લવણપ્રસાદને શિખામણ દીધી, "અને ચારેય હાથે એના માથે પુષ્પો ચડાવજો, સમજ્યાને, બાપુ ?”

વિંધ્યાચળના ગજરાજ-શો જાતિવંત લવણપ્રસાદ પોતાના નાનકડા બે મહાવતોને આટલે જ અંકુશપ્રહારે મૂંગે મોઢે તેઓની સાથે ચાલી નીકળ્યો.

સિંઘણદેવને જ્યારે સમાચાર પહોંચ્યા કે ત્રણેય જણા સામે ચાલીને અને વિના શસ્ત્રે ચાલ્યા આવે છે ત્યારે તે વિસ્મય પામીને પોતાના તંબૂ બહાર નીકળ્યો. ચાલી આવતી ત્રિપુટીના માથા ઉપર ફક્ત ગુજરાતનો કુક્કુટધ્વજ ભાલાની અણી સાથે ખેલતો આવતો હતો. ત્રણેયનાં પગલાંમાં ઉતાવળ નહોતી, અધીરાઈ નહોતી, તેમ શેખી નહોતી. તેઓ જાણે મહેમાનને જ મળવા આવતા હતા. પોતાની આંખો ભૂલ તો નથી કરતીને, એમ વિચારી યાદવરાજે ચોફેર નજર કરી તો પોતાને ખાતરી થઈ કે ત્રણ દિવસથી પોતાની છાવણીને ઘેરી રહેલું ગુર્જર સૈન્ય એ સ્વપ્ન નહીં પણ સત્ય હતું. ચોફેર પા પા ગાઉને કૂંડાળે ગુર્જરીના અશ્વો હણહણતા હતા અને કોઈ કોઈ ગજરાજો સૂઢો ઊંચી કરી કેમ જાણે લવણપ્રસાદને અર્ધ્ય આપી રહ્યા હોય, તેમ દર્ભના પૂળા આકાશે ઉછાળી રહ્યા હતા. ચોફરતી સેના ઘેરો ટકાવવા માટે સજ્જ ઊભી છે એવી ખાતરી સૂર્યના તાપમાં ચકચકતાં બખતરો ટોપો અને આયુધો સિંઘણદેવને આપી રહ્યાં હતાં. પોતે પરાજિત છે અને પોતાના પ્રાણ તેમ જ ઈજ્જત ગુર્જરીને જ આધીન છે એવું એને ફરી વાર ચોક્કસ ભાન થયું.

પોતાના કેદીઓ કે દુશમનો પ્રત્યે જેણે કદી આવી રાજરીત બતાવી નહોતી તે યાદવપતિ આ ત્રણેનું સહેજ હાસ્યભર્યું હસ્તવંદન જોઈને લજવાયો. તેણે ગુર્જર રાજપુરુષોના અને સેનાપતિના ચહેરામાં ડાંખરાઈ, મૂછોના મરડ ને આંખોની