આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરાજિતનું માન
297
 

સારુ ગમે તેવાં કામ કરનાર પૌત્ર જોઈએ છે ? ગુજરાત વહાલી છે તે કરતાંય શું નાલાયક વંશજ વધુ વહાલો છે ?”

લવણપ્રસાદ પૂરી સાંપટમાં આવી ચૂક્યા. પોતાના માથા પર આ સંદેહ ઉપરાઉપરી સમશેરના ઝાટકા વરસાવી રહ્યો. જેને ખાતર પોતે જીવતો હતો તે એકની એક ભાવનાને, તે ગુર્જરીની શ્રદ્ધાંધ સેવાને તેણે આખરે ધૂળ મળતી જોઈ. ઉપરાઉપરી વિજય અપાવી દેનાર વણિકમાં આ એક નબળાઈ બીજા હજાર ગુણોની વચ્ચે પડી હતી તેનો વિચાર એને ન આવ્યો. પૂરઝડપે સરી રહેલી નૌકા પણ એને સમુદ્રમાં ખૂંતી ગયેલી લાગી. વસ્તુપાલ રાણાના ઢીલા પડેલા મન પર વધુ પ્રાછટો બોલાવી રહ્યો –

"મારે આજે શી ન્યૂનતા છે તે હું પાટણની કાજળ-કોટડીમાં પ્રવેશ કરું ? મારા પર આપે અને રાણા વીરધવલે મારી પાત્રતા છે તે કરતાંય વધુ કૃપા વરસાવી છે. મને તો મારા ગજા કરતાં વિશેષ મોટાઈ મળી છે. મારું દિલ કોળતું નથી. છતાં આપ કોચવાતા હો તો કહો તેમ કરું.”

"પણ આ આદર્યા અધૂરાં રાખવાં છે ? રાંધ્યાં ધાન રઝળાવવાં છે ? આટલો ઘમંડી કે દા'ડાનો થયો છે તું ?” મોટા રાણા વેદનાની સાક્ષાત્ મૂર્તિ બન્યા: “મારો જીવ કોઈમાં ન ગયો ને વીરમમાં ગરી રહેશે શું ?”

"બાપુ !” વસ્તુપાલે લવણપ્રસાદના કોમળ હૃદય-ખૂણામાં હાથ ફેરવ્યો, “હું પણ એ જ વિચારે કંપુ છું, કે આપના વિષપાનનો હજુયે અંત ન આવ્યો ! અમે કોઈ આપને સુખી ન કરી શક્યા. સંચિતમાં હજુ શી શી માંડી હશે ?”

“હવે સંચિત ભલેને મને કરવું હોય તે કરી લે. મારે નથી જોઈતી તારી દયા. બોલ, વીરમને કેદમાં પૂરું ?”

"ના બાપુ, પણ હું એક વિચાર સૂચવું. એમને એમના સાસરામાં ઝાલોર રાખો. ને મારો બોલ છે કે પાટણમાંથી ઉકરડો સાફ કરીએ કે તરત એમને પાછા બોલાવી લેશું. વાંક કુંવરનો નથી, પાટણની સોનેરી ટોળીઓનો છે. પહેલાં એને ખતમ કરીએ.”

“તું કહે તેમ, પણ હવે મારું ટટ્ટુ હાલે એમ નથી, હો કે પાટણમાં ખટપટનાં જાળાં વગરની કોઈ જગ્યા ખાલી નથી. તું ના પાડતો હોય તો થયું, મારે પણ હવે સંન્યાસ લેવો છે. મારી કાંઈ ગુનેગારી ! ગુજરાતનો વળગાડ હું ક્યાં સુધી એકલો વેઠું ! તારે દરિયો જોઈએ, કવિઓ જોઈએ, સાધુઓ જોઈએ; ન જોઈએ એક મારે જ કંઈ.”

“કાં, બાપુ વિચાર થાય છે ?” વસ્તુપાલનું મોં દૂત્તું બન્યું.