આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
18
ગુજરાતનો જય
 

બારમું વરસ બેઠું ને એને પરણાવી. પરણ્યે બે જ મહિના થયા ત્યાં એ રાંડી. રાંડીને પાછી આવી, પણ સંસાર જાણે એને અડ્યો જ નહોતો ! કાંડે કંકણ નહીં ને કપાળે ચાંદલો નહીં. બાકી તો એ ની એ જ; આનંદનો અવતાર ને રૂપનો ભંડાર. હવેલીના ખંડેખંડની ચાવીઓ માએ દીકરીને સોંપી. માવતર પાણીય દીકરીને પૂછીને પીએ. દીકરીને ધરમના ભણતરમાં ચડાવી દીધી. દેરે જવું, અપાસરે જવું, ધરમધ્યાન કરવાં - અને શું એ બાઈ ધરમની સજ્જાયું ગાતી ! અરે બાપુ, હવેલી હોંકારા દેતી. આવો તો કંઠ મેં કોઈનો જાણ્યો નથી.”

"હં–હં.” લવણપ્રસાદને મદન સાંભરતી હતી..

"જેમ જેમ ધરમમાં ઊંડી ઊતરતી ગઈ તેમ તેમ રૂપ તો નીકળતું જ ગયું, બાપુ. સાધુ-સાધ્વીઓ પણ પાટણમાં ન આવે એટલાં માલાસણ આવે, કાં'કે કુંઅરબાઈની ખ્યાતિ સાંભળીને ખેંચાય. તેર-ચૌદ વરસની દીકરી, પણ ભલભલા સૂરિઓનેય ભૂ પાઈ દે તેવી ચર્ચા કરે. શાસ્ત્રો તો કડકડાટ મોઢે ચડી ગયાં. ન કોઈ દા'ડો આંબેલ-ઉપવાસ ચૂકે, ન કોઈ, દા'ડો પૂજા પડવા દ્યે, ન કોઈ દન પડકમણામાં ગેરહાજર. ધરમગુરુઓ તો કાંડાં કરડે કે, કે'દી આ કુંઅરબાઈ દીક્ષા લ્યે ! પણ દૈવે તો કાંઈક નોખું જ નિરમ્યું તું ખરુંને, બાપુ, તે આસરાજ માલાસણમાં આવી ચડ્યા !"

“આસરાજ તો સોમમંત્રીનો દીકરોને ?”

“હા, સોમમંત્રી મહારાજ સિદ્ધરાજના કારભારી હતા. તેના બાપ ચંડપ્રસાદ ને તેના બાપ ચંડ – એ બધા જ સોલંકીઓના પાટણના કારભારીઓ. પણ વેળા વેળાની છાંયડી છેના, બાપુ ! પાંચ પેઢીની લક્ષ્મી પગ કરીને કોણ જાણે ક્યાં ચાલી ગઈ, આસરાજને પાટણમાં હાલવાચાલવા જેટલીયે સત્તા ન રહી ત્યારે જ માલાસણ આવીને રહ્યા.”

“એનીયે જુવાની હશે તે દન”

"ફાટફાટ જુવાની, પણ ચીંથરેહાલ. ચીંથરાંમાંથી પણ તાલકું તેજ કરે. આવીને આભૂશેઠને જ ઘેર લેખક (વાણોતર) રહ્યા. બે-ત્રણ વરસ રહ્યા, પણ એની નજર તો ધરતીને જ જડેલી, હો બાપુ ! એણે કોઈ દા'ડો ઊંચું જોયું નથી. મારે એની જોડે સારી પેઠે ઊઠબેઠ. પેઢીમાં બેઠાં હોય ત્યારે હુંય જઈને બેસું, પણ નથી કોઈ દન એણે મને શેઠ-શેઠાણીની વાત પૂછી, નથી એણે કુંઅરબાઈનું કાંઈ પૂછ્યું, નથી એણે પોતાનાં રોદણાં રોયાં. આભૂશેઠ કોઈ વાર ખિજાઈને બે અવળા બોલ કહે, અને મને દયા આવી જાય કે અરર ! આ પાંચ પેઢીના કારભારીઓનું બચ્ચું આજ કેવાં વેણ વેઠે છે ! તોય આસરાજ તો એવો ને એવો ગરવો. હું ખોટું નહીં કહું,