આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જૈસે કો તૈસા !
307
 

આંહીં લાવ.”

“એ જ શોધું છું, બાપુજી!” રેવતીએ કહ્યું. પણ પોતે જાણતી હતી. પિતા એ બધી રચનાઓને ભસ્મ કરવા મગાવે છે! એણે શોધ લંબાવ્યે જ રાખી.

“શોભનદેવ." સોમેશ્વરદેવે કહ્યું, “તમે કેમ મને આશ્વાસન આપતા નથી?”

મૂંગો ને મધુરો શિલ્પી સહજ જે હસ્યો તેનો જાણે કે ઓરડામાં ઉજાસ પડ્યો.

“હું બીજું તો બધું જ બાળી દઈશ, શોભનદેવ;” સોમેશ્વરદેવે ગદ્‌ગદ સ્વરે કહ્યું, “પણ મારી એક કૃતિને – મારી રેવતીને શી રીતે નષ્ટ કરી શકીશ?”

શોભનદેવના હોઠ પર 'હું સાચવીશ' એ શબ્દો આવીને પાછા વળી ગયા. એણે ફક્ત એટલું જ કહ્યું: “હું પાષાણનો શિલ્પી છું, તેમ આપ શબ્દના શિલ્પી છો. વેદના તો આપણી શિલ્પીની જનની છે, દેવ ! આપને આ ઉકળાટ શોભે?”

“રેવતી” સોમેશ્વરદેવ ઘડીએ ઘડીએ પૂછતા હતા, "જો તો ખરી બેટા, મંત્રીકાકા ક્યાંય આવે છે? જોને સિદ્ધેશ્વરને શિખરે ચડીને!”

"આવે છે, બાપુજી!” રેવતી દિલાસો દેતી હતી.

રાત પડી. વસ્તુપાલ ખંભાતથી આવી પહોંચ્યા. સભામાં બનેલી વાત અને સોમેશ્વરદેવની આત્મહત્યાની તૈયારી જાણી. છાનામાના મિત્રને ઘેર ગયા. અને જઈને પહલું પ્રથમ તો ખડખડાટ એક મોટું હાસ્ય કર્યું ને પછી કહ્યું, “અલ્યા બામણા ! કાંઈક શરમા હવે, શરમા શીદ બાયડીના ને છોકરીના શ્વાસ ઊંચા કરતો બેઠો છે ! મરી જવું છે, એમ ને લે, મરી જા. એટલે વગર ચોરીએ સદાકાળનો ચોર ઠરીને સેંકડો વર્ષો સુધી ઇતિહાસનો ફિટકાર પામતો રહેજે!”

“જીવીને શું કરું?” સોમેશ્વરને સાચું પૂછવા ઠેકાણું જડ્યું.

“સંગ્રામ કર અમારી જેમ, શું કરે શું બીજું ? સાહિત્યને શું ઉનો, ફળફળતા, ઝટ ગળે ઊતરી જનારો શીરો જ સમજી બેઠો છે ! હાથે કરીને શાહુકાર મટી ચોર ઠરવા બેઠો છે?”

"ભાઈ, મારી શાહુકારી હું શી રીતે સાબિત કરું? હું કોને, રાણાજીને ઉજ્જૈન ખાતરી કરવા મોકલું?”

“ઉજ્જૈન ઉજ્જૈન કરો મા, મહારાજા આવશે ઉજેણીવાળા આંહીં જો ગરજ હશે તો ! ઊઠો, કંઈક શરમાઓ. આઠ દાડાની મહેતલ માગું . પછી જોઈએ તો બળી મરજો, હું જ ચિતા ખડકી આપીશ.”

“આપ શું કરશો?”

"એણે – એ હરિહરે શું કર્યું છે?”

“મારો દ્વેષ કર્યો છે, મારા શ્લોકોનું ગમે તે રસ્તે અપહરણ કર્યું છે.”