આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જૈસે કો તૈસા !
311
 

કાવ્ય કે વસ્તુ બીજો કોઈ બોલી જાય તે હું ધારી શકું. મા સરસ્વતીએ તથાસ્તુ કીધું. તેના સામર્થ્યથી જ મેં સોમેશ્વરદેવના શ્લોકો યાદ રાખી લઈને તેમને ચોર ઠરાવ્યા હતા. એ શ્લોકો તદ્દન સ્વતંત્ર છે.”

"ઘણું સારું ! ઘણો આનંદ થયો !” રાણા વીરધવલને હર્ષાવેશ આવી ગયો.

“એમ તે કંઈ હોય, બાપુ !” કહેતા વસ્તુપાલ ઊભા થયા. "હવે તો એ વાતની પૂરી પરીક્ષા થવી જોઈએ. હરિહર પંડિતના સંરસ્વતી-વરદાનનું સાચજૂઠ સાબિત કરવું પડશે. તે પૂર્વે આપણા રાજગુરુ સોમેશ્વર નિર્દોષ નહીં ઠરી શકે.”

"તો આપ કોઈપણ એકસો આઠ શ્લોકો સંભળાવો.” હરિહર પંડિત આહવાન આપ્યું.

સત્ય સિદ્ધ થયું, સોમેશ્વરદેવને માનપાનથી તેડાવવામાં આવ્યા, હરિહર પંડિત એને પગે પડ્યા, સોમેશ્વરદેવ હરિહરને ભેટી પડ્યા.

"લો આ, ને મનેય ક્ષમા કરજો.” એમ કહેતા વસ્તુપાલે હરિહર પંડિતને ઉતારે જઈ પોતે કરેલી તે નૈષધચરિતની નકલ ભળાવી અને સંપૂર્ણ માનદક્ષિણા સહિત સોમનાથ તરફ વળાવ્યા. પણ હરિહરના પરાજયથી વસ્તુપાલને મન વાત પતી નહોતી ગઈ. “આટલી મોટી ધાપ મારી શકાય છે ! સાહિત્યકારો શું આટલી સહેલાઈથી લોકોની આંખોમાં ધૂળ નાખી શકે ?” વિચારતા વિચારતા એ સોમેશ્વરદેવને મળ્યા. પૂછ્યું, “આનું કારણ શું છે?"

"એનું કારણ પારકી વિદ્યા પ્રત્યે વધુ પડતો મોહ ! આંહીંનો પ્રત્યેક વિદ્યાપ્રેમી ઉજ્જૈન અને અવન્તી, વારાણસી અને ગૌડદેશ તરફ જ ડોકી ઊંચી કરે છે. અને ત્યાંથી આવતી ગાથાઓની પૂર્તિ કરવા આપણે ખોપરીઓની કચુંબર કરીએ છીએ.”

"દોષ કોનો?”

“પોતાને જે “લઘુભોજરાજ કહેવરાવવામાં રાચતો હોય તેનો.” સોમેશ્વરદેવે વસ્તુપાલને વિદેશી પંડિતોએ મોટાં ઇનામોની લાલચે આરોપેલા આ બિરદ પર ટોણો લગાવ્યો. વસ્તુપાલને આ ઘા વાગ્યો પણ ખરો.

“પારકાઓ પર કેટલી બધી મુગ્ધતા !” સોમેશ્વર દુઃખ પ્રકટ કરતા હતા: “મારા શ્લોકોને સદંતર અપહરણ કહેનાર એક અજાણ્યો માણસ ફાવી જાય છે, હું ચોર નથી એમ કહેનારો હું ઘરનો માણસ સંદેહને પાત્ર બની જાઉં છું ! કોઈ ચૂં કે ચાં કરતું નથી. કોઈ વધુ ખાતરી માગતું નથી.”

"સોમેશ્વર! ભાઈ !” વસ્તુપાલે હસીને સાંત્વન આપ્યું, “એનું નામ જ જગત ! તું કે હું એ જગતને આપણા પ્રભાવમાં આંજી શકશું, પણ એને એ છે તે કરતાં