આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
314
ગુજરાતનો જય
 

વિદ્યારસ લૂંટતા દીઠા, તે વખતે કંઈ ન કહ્યું. ચાલ્યા ગયા. જઈને એકાંતે એ સાધુઓના ચહેરા યાદ કરી જોયા. કેવી કેવી કથનીઓ એ ચહેરાઓ પર લખાઈ હતી ! કોઈ ચહેરો આચાર્યપદની મહત્ત્વાકાંક્ષાએ તલસતો હતો, કોઈ મોં પર પ્રેમભગ્નતાની હતાશા હતી, કોઈક ભોળવાઈ ગયેલા શિશુઓ હતા જેમના મોં પર જનેતાનું ધાવણ મહેકતું હતું, કોઈકને કર્કશા સ્ત્રીએ દીક્ષા તરફ ધકેલ્યો હતો તો કોઈકને ગરીબીએ.

આમ એ પ્રત્યેક મોં એક પ્રશ્ન જેવું હતું. તે સર્વનું શરણું શારદાનો ખોળો હતું. ચાચરિયાકની વિદ્વતાભરી વાતોમાં રસ લેવો એ મિથ્યાત્વ હો તો ભલે હો, આ સાધુઓની માનવસુલભ લાગણીઓને સંસ્કારી પોષણ આપવા વગર છૂટકો નથી એવું ભાવતા મંત્રી સૂતા.

અપાસરે પાછા ફરતા સૂરિઓને મંત્રી-તપાસની જાણ થતાં તેમણે ભોંઠામણ અને ઠપકાનો ભય અનુભવ્યાં. પ્રભાતે શું થશે તેની ફાળ લાગી. પ્રભાતે મંત્રી તો અપાસરે ન ડોકાયા, પણ રાત પડી ત્યાં સૂરિઓએ જોયું કે પેલા આગલી રાતના ચાચરિયાકે તો અપાસરાને દરવાજે આવીને ચાચર રોપી દીધેલ છે ને એનાં કથાગાનની જમાવટ ત્યાં જ થઈ રહી છે !

“આંહીં કેમ?” ચાચરિયાકને પૂછતાં તેણે જવાબ વાળ્યો:

"મંત્રીએ આજ્ઞા કરી છે, કે જૈન સાધુઓ ધરાઈને સાંભળે તેટલા દિવસ સુધી આંહીં જ કથાવાર્તા માંડવી.”