આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવી ખુમારી
317
 


અનુપમા વિદાય લેતી હતી ત્યારે લૂણસીએ આવીને માને એક છાનો કાગળ આપ્યો. એ કાગળ કુંવર વીરમદેવ પર લખેલો હતો. અંદર લખ્યું હતું કે –

નાનપણની અણસમજણમાં આપણે એકબીજાને સંતાપ્યા છે. પણ તમે જતા રહ્યા છો તે દિવસથી પૂરું ગમતું નથી. ભલા થઈને પાછા પધારો. રેવતી તમને નહીં ચીડવે. એ તો મોટી ને ડાહી થઈ ગઈ છે. લૂણસી તમારી લાતો પણ ખમી લેશે. પાછા આવો, જેતલબાને કેવું થતું હશે તે આજે મારી બાની વિદાય વખતે મને સમજાય છે.

આ કાગળ તો વીરમદેવને જરૂર કૂણા પાડશે એવી આશા રાખીને અનુપમા પાટણ આવી ને આઘાત પામી. કુંવર વીરમદેવ આગલે દિવસે જ પાટણ છોડીને પોતાને સાસરે ચાલી નીકળ્યા હતા. રાણા લવણપ્રસાદે જ એને કહી દીધું હતું કે “આંહીં વસ્તુપાલ-તેજપાલનું કારભારું સ્થપાય છે માટે તમે જાવ, ઝાલોર તમારે સાસરે જઈ રહો. અહીં તમારા જીવની સલામતી નહીં રહે. ટાણું આવ્યે પાછા તેડાવી લેશું.”

મંત્રી બાંધવો આમ ઇચ્છે છે એવું કહેવાને બદલે રાણા લવણપ્રસાદે જે કહ્યું તે ભયાનક હતું. વીરમદેવને મંત્રીઓ પર વધુ ને વધુ ખુન્નસ વ્યાપ્યું. વાણિયાઓ શું મને મરાવી નાખવા માગે છે ! એમ ! ત્યારે તો હવે હું જોઈ લઈશ.

રોષ અને વેદનાનાં કેવાં આંસુઓ ખેરતો ખેરતો વીરમદેવ પોતાના પિતાની પૃથ્વીને છોડી ગયો હતો તેનું વૃત્તાંત અનુપમાએ જાણ્યું ત્યારે એ પણ પારાવાર દુભાણી.

એ પાટણ હતી ત્યાં જ તેજપાલ ભૃગુકચ્છમાં સંગ્રામસિંહ પર દંડનાયક સ્થાપીને સૈન્ય સહિત પાટણ આવી પહોંચ્યો, અને કશા ભભકા વગર એણે પત્નીની ઇચ્છાથી બીજી વાર પરણી લીધું. નવાં દંપતીને ધોળકા તરફ વળાવીને અનુપમા ચંદ્રાવતી પહોંચી ત્યારે નગરીનો રંગ ગયા વખતના કરતાં ઊલટેરો જ દીપી નીકળ્યો હતો. વણિકોના છોકરાઓએ ભદ્રેશ્વર અને દેવગિરિના રાજાઓ પરના ગુર્જરવિજયનો નવો કેફ ચાખ્યો હતો. એકચક્રી શાસનની આણ નીચે તેમનાં દિલોમાં આપોઆપ ખુમારી આવી હતી. તેઓના વિચારનું મધ્યબિંદુ ચંદ્રાવતી મટી જઈને સમગ્ર ગુજરાત બન્યું હતું. નારાયણસરોવરથી નર્મદાતીર સુધી અને પ્રભાસપાટણથી ચંદ્રાવતી સુધી કોઈપણ સ્થાને ‘જય ગુજરાત’ કહી ઊભા રહી શકાય છે, એક જ ધારાધોરણોની આણ પાળવાની અનુકૂળતા છે, એક જ તોલમાપ, એક જ વિદ્યાભ્યાસ, એક જ ન્યાયતંત્ર, એક જ રક્ષપાલ અને એક જ નૃપતિનું નામ, એ તો કોઈક ન સાંભળી