આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવી ખુમારી
321
 


“આપે મંત્રીજીને ખબર નથી કર્યા?”

“ના.”

"બહુ બૂરી થઈ.” અનુપમાએ ભય અનુભવ્યોઃ “આ બાઈને પ્રતાપે તો કુંવર વીરમદેવે પાટણ છોડ્યું છે અને ગુજરાતને રોળી નાખવાનો નિશ્ચય કર્યો છે !”

અનુપમાનું મન વીરમદેવની પાછળ દોડી રહ્યું હતું. એ અનાડી અનાચારી કુંવરના પુનરુદ્ધારની સર્વ આશાઓ ધૂળ મળી હતી. આ સ્ત્રીએ ફેલાવેલી ગેરસમજણ ભાવિ ગુજરાતની વિષવેલડી બની ગઈ હતી. એક માણસની માણસાઈ છેલ્લે પાટલે બેઠી હતી. પાટણ-ધોળકાના દૂરના ભવિષ્ય ઉપર અનુપમાએ વીરમદેવના વૈરની છાયા ઢળતી દીઠી. શરમાતા ધારાવર્ષદેવે પૂછ્યું: “હવે શું કરીશું?”

“તાકીદે મંત્રીજીને ખબર મોકલી દઈએ, બાપુ, અને આને આપે સાચવી છે તેવી જ માનભરી રીતે સાચવીએ. પણ આ તો તંબોળી નાગણ છે, બાપુ !”

"પરમારોને તો બેટા, નાગના કરંડિયા જ સાચવવાના છેના !”

વસ્તુપાલને અનુપમાએ પત્ર મોકલી વિગતે વાકેફ કર્યા, અને તેના જવાબમાં મંત્રીએ ટૂંકી સૂચના લખી કે 'એને બને તેટલી કોમળતાથી જાળવી રાખજો. અનુપમાએ એને મળતાહળતા રહી એનું મન હુલાવ્યે-ફુલાવ્યે રાખવાનું છે.'