આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
31
હમ્મીરમદમર્દન

બુ પર બે જણાં ચડતાં હતાં. તેજપાલ અને અનુપમા. અનુપમા સ્વામીની નવલી રાત્રિઓની ઝીણી ઝીણી હાંસી કરતી હતી. આગલી ગંભીરતા એણે તોડી હતી – તેજપાલને પણ અનુપમાના ગાંભીર્યમાં આ નવો આવેલો હાંસીનો ચમકારો વિચિત્ર લાગ્યો. શોક્ય લાવીને લહેરી બનનારી નારી નવાઈભરી હતી. નવી સ્ત્રી સુહડાની, સાથે જ અનુપમાએ તેજપાલને ચંદ્રાવતી તેડાવ્યો હતો. બેઉનું શયનગૃહ પોતે જ રોજ રાત્રિએ પુષ્પ, અર્ક ને પ્રદીપે સજી આપતી હતી. સુહડાને પોતે જ સ્વાદુપકવાનો જમાડતી ને શણગારતી હતી. થોડા દિવસોમાં પતિનું પુરુષાતન પ્રફુલ્લિત બન્યું હતું. સ્વામી અનુપમાને ભર્યો ભર્યો અને પોતાના પ્રતિ વધુ ભક્તિભાવે ઢળતો, આંબા સમો લાગ્યો.

તેજપાલનું આબુ આવવાનું પ્રયોજન બેવડું હતું - જાહેર અને ખાનગી. પાટણ, મેવાડ, નડૂલ વગેરે પાડોશી પ્રદેશોમાં ખબર થઈ હતી કે તેજપાલ નવી બૈરીને શણગારો સજાવવામાં અને જૂનીને દેલવાડે નવું મંદિર બંધાવીને પટાવી લેવામાં ગૃહકંકાસ ઓલવવામાં પડી ગયો છે. બેઉ ભાઈઓની મશ્કરીનો આ બોલ તો ગુર્જર દેશનાં પાડોશીઓમાં ચલણી થઈ પડ્યો હતો કે 'બેઉનું જોટે જ કામ છે. ભાઈ !'

મંદિરનું ચણતર તપાસતાં વરવહુ ચંદ્રાવતીના ખમીરનું ચણતર કરતાં હતાં. તેજપાલ ધારાવર્ષદેવની સાથે રહી આબુની ઘાટીઓ તપાસતો હતો. અને પરમારની આજ્ઞા પ્રમાણે ચંદ્રાવતી-મંડલના સિંધ બાજુના સીમાડા ખાલી થઈ રહ્યા હતા. ગામેગામ ઉજ્જડ બનતું હતું. વસ્તી દૂર દૂર ખસતી જતી હતી.

આબુ પર આરસનો પ્રભુપ્રાસાદ ઊભો થતો હતો. અને આબુની પેલી બાજુ ઘોર સંગ્રામનો વ્યૂહ વિસ્તરતો હતો. બન્ને પ્રવૃત્તિઓ એકબીજીને તાલ દેતી ચાલતી હતી. વિનાશ અને સર્જન, બેઉ એક જ પુનરુત્થાનનાં બે પાસાં અથવા એક જ રથનાં બે ચક્રો હતાં.

સિંધમાં લપાયેલા કાળયવન મીરશિકારના કાન સુધી વાતો પહોંચતી હતી કે ગુર્જર રાણાએ ભદ્રેશ્વરમાં ખડ ખાધું છે, દખણી સિંઘણદેવની તાબેદારી સ્વીકારી