આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હમ્મીરમદમર્દન
331
 

દેવગિરિ, ભદ્રેશ્વર અને લાટનો પ્રશ્ન ઊકલ્યો. હવે બાકી રહ્યાં અવન્તી, મેવાડ અને નડૂલ. વસ્તુપાલે નિઃશ્વાસ નાખ્યોઃ “બધેથી સાંધિવિગ્રહિકો નિરાશ થઈ પાછા ફર્યા છે, બાપુ ! એ તો બધા ગુજરાતની મૈત્રીની ઘસીને ના પાડે છે.”

“ત્યારે તો દિલ્લીના સુરત્રાણનો ભો ઊભો ને ઊભો!”

"પણ મારે હવે એ ઊભો નથી રહેવા દેવો, બાપુ.”

“શું કરીએ? એને શરણે તો ઓછા જ જવાય છે?”

“ના, પણ હવે તો સુરત્રાણની સીધી મૈત્રી શોધવી જ રહે છે. આ હિંદુ રાજ્યોથી તો હવે હાથ ધોઈ નાખ્યા. સંગઠન અશક્ય છે.”

"કેમ કરશું?”

“ઉતાવળ નથી. કોઈક માનભરી તક મળે ત્યારે જ વાત છે.”

રાત્રિએ ચંદ્રશાલા (અગાસી)માં ચંદ્ર-કિરણોનો સ્વાગત-થાળ છલકાતો હતો. રાણકી જેતલદે પતિનું શિર ખોળામાં લઈ એના કપાળ પરથી કેશ ખેસવીને ચંદ્રનાં પ્રતિબિમ્બ નીરખી રહી. ટપ ટપ ટપ એની આંખોનાં નેવલાં ટપકવા લાગ્યાં. લાંબી વારનું મૌન તોડીને રાણકીએ પૂછ્યું: "યવનો કેવા લાગ્યા, કહો તો ખરા?”

“કહેતાં લાજી મરું છું.” વીરધવલ હસ્યા.

"કાં ?”

“અરે રામ ! હું નાહકનો બીકે મરતો હતો. દેખાવે ભયંકર પણ સાચેસાચ ચીંથરાં સરીખા. જે ડરે તેની તો દર્શનમાત્રથી છાતી બેસાડી દે; પણ આપણી રણહાકે શું નાઠા છે ! ગભરાઈને, ભાન ભૂલીને અંદરોઅંદર કાપાકાપી કરી બેઠા.”

“તમે ક્યાં રહી લડ્યા?”

"સૌની મોખરે. મારે બેઉ પડખે હતા મંત્રી ભાઈઓ. પણ રંગ તો રાખ્યો એક દાઢીવાળા દરવેશે. એ તો ઘાંટીમાં દોડતો ગયો ને યવનોને એમ કહી ભડકાવ્યા કે “ભાગો, ભાગો, વીરધવલ પોતે જ આવે છે. ભાગો ભાગો ભાગો, વીરધવલ આવે છે. એને જોતાં જ યવન-ફોજ થડકી ગઈ. એના શબ્દોએ ચમત્કાર કર્યો. યવનો ગાભરા બની ગયા.”

"એ દરવેશ કોણ?”

“આપણો એક ગુપ્તચર એ યવનોનો ઓલિયો બનીને આ કામ કરી ગયો. જુક્તિ અને સમશેર, બેઉએ મળીને પડ ભેળી દીધું.”

“હવે તો યવનોનો ડર નથીને?”

“સાક્ષાત્ કાળનો પણ નહીં.”

“આવો ત્યારે.” કહીને રાણીએ પતિને છાતીએ લીધો.