આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
342
ગુજરાતનો જય
 


"જી હા! આખરે તો ત્યાંના ત્યાં જ.” એકે જવાબ દીધો.

“આટલાં બધાં રોમાંચક સાહસોના ખેલ પછી પણ આ જ જીવનનું પૂર્ણવિરામ ને? આ ગોબરાં ઘેલાં હૈયાં અને આ ગાંડી વેવલી બૈરીઓ. ખરુંને?” વસ્તુપાલે વ્યંગ કર્યો.

ત્રણેય જણા નીચું મોં ઘાલી ગયા ને ચાલી નીકળ્યા. પાછળથી વસ્તુપાલે કહ્યું: “અલ્યા, તમને આટલી અદ્દભુત સૃષ્ટિમાં ઘૂમતાં ક્યાંય કોઈ સુંદરી ન સાંપડી ! અલ્યા, પાટણ ઉત્સવમાં આવશો કે નહીં?”

“ના રે, પ્રભુ એ તો વાર્તાઓમાં જ હોય છે.” કહેતા ત્રણેય હસીને ચાલ્યા ગયા.

ગજરાતના મહામંત્રી આ અજાણ્યાઓનું જે ટીખળ કરતા હતા તે દેખી અનુપમા આશ્ચર્યમાં પડી ગઈ. અનુપમાને વસ્તુપાલ પાસે આવીને કહ્યું: "દેવી ! એ ત્રણેયનો ગુજરાત પર કેટલો ઉપકાર છે તે હું તને કહું તો નહીં માને. ગુજરાતના શત્રુઓને મોટી કોઈ કતલ વગર માત કરવાની એ ત્રણ મારી સમશેરો છે. સોનાનાં અને સુંદરીઓનાં લસલસતાં પ્રલોભનોની સામે તેમણે નજર પણ કરી નથી. તેઓએ ધાર્યું હોત તો પાટણને, ધોળકાને, સમસ્ત ગુજરાતને વેચી નાખી શકત.”

"કોણ છે એ?”

"મારા ત્રણ ગુપ્તચર છે. તેમની ચાકરી પૂરી થઈ છે. તેઓ મૃત્યુના મોંમાં ઝંપાપાત કરી કરી આપણને જિવાડી પાછા એમને ઘેર ચાલ્યા ગયા છે. જો, આ એમનું કટુંબ-જીવન ! તેમને પ્રકટ કોઈ માનપાન મળશે નહીં, તેમને ઝાઝા લોકો ઓળખે તે પણ પરવડશે નહીં, વિજયોત્સવોના મહાન સમારંભોમાં તેમનું આસન આપણા જૂતા પાસે પણ નખાશે નહીં. તેમનું સમરાંગણ અને તેમના વિજયોત્સવ આ બૈરીઓ અને આ છોકરાઓની બનેલી નેપથ્યભૂમિમાં જ સમાયેલું છે. જો રે જો, એ બોલે છે કે ચાલે છે તેમાં છે કોઈ નામનિશાન પણ તેમની બુદ્ધિચાતુરીની અદ્ભુતતાનું ! છે કોઈ દર્પ તેમની જીવસટોસટની સેવાનો ! આ નિપુણકને આ સુવેગ જો એક જ ડગલું ચૂકત તો ગુજરાતના શત્રુઓના હાથમાં ચોળાઈ જાત, ગુજરાત પણ રોળાઈ જાત ! નેપથ્યવિધાન કરનારાઓની જ સદા બલિહારી છે, દેવી ! અમે તો પ્રકટ ગૌરવદાનના ભૂખ્યા જીવડા છીએ. એ જ રાષ્ટ્ર ઉપર આવશે, જેના નેપથ્યવિધાનમાં ઝાઝા માણસો કામ કરતા રહેશે.”

કહેતો કહેતો અનુપમાની સાથે વસ્તુપાલ દેલવાડેથી અચલગઢ જતો હતો. સૂર્ય ઊંચે ઊંચે ચડી રહ્યો હતો. પાટણમાં મૌજુદ્દીન-મૈત્રીની પ્રાપ્તિનો મહાન ઉત્સવ રાહ જોઈ રહ્યો હતો. આખી ગુજરાતના સામંતો ને દંડનાયકો પાટણમાં ભેગા થયા