આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પતનનાં પગરણ
345
 
આવી તે તો સદાને માટે સ્થિર બનીને રહી ગઈ. પ્રજાની આંખોમાં વર્ષા, અને પ્રજાના હૃદયમાં ઉનાળો.]

રાણા લવણપ્રસાદે વીરમને તેડાવી રાખ્યો હતો. ઉઠમણાની વાટ જોવાતી હતી. પણ ઉઠમણાના દિવસને ઊગવાને હજુ વાર હતી. તે વખતે આ વાજિંત્રો કોને ઉતારે વાગી રહ્યાં હતાં !

લવણપ્રસાદના કાન ચમક્યા. ઢોલનગારાં તો વીસળદેવને ઉતારે ગાજે છે ! ને તેજપાલ ત્યાં ધોળકાવાસીઓને એકઠા કરી કશુંક ઊજવી રહ્યો છે. લવણપ્રસાદે તેજપાલને બોલાવી પૂછ્યું: “આ શી ધામધૂમ છે, તેજલ?”

તેજલે જવાબ દીધો: “વીસળદેવને રાણાપદનું તિલક કર્યું, બાપુ!”

“તું કોણ તિલક કરનાર?” પાટણના વીરમપક્ષી રાજપુરુષો ધમધમી ઊઠ્યા, “તારે કહ્યું શું નાનેરો કુંવર રાણો થશે?”

"હા, હા, મારે કહ્યે આજે તો પ્રજાને ગમ્યો તે કુંવર રાણો થયો છે, ને કાલે મારે કહ્યું મહારાજા પણ થશે.” તેજપાલ ગરજ્યો.

સામસામા વાદ મંડાયા. હોકારા પડકારા થયા, હોંસાતોંસી લાગી પડી. તોફાન તોળાઈ રહ્યું. લવણપ્રસાદે ઇચ્છા રાખી હોત તો પાટણની બજારોમાં તે વખતે શોણિતની નદીઓ વહી હોત. પણ ગુજરાતના જાની એની સર્વોપરી ભાવનાએ એની લાગણીઓ પર વિજય મેળવ્યો. પોતાના અપમાનને એણે શંભુ વિષ પચાવે તે રીતે પચાવી કાઢ્યું. એણે જે થયું તે માન્ય રાખીને પ્રજાને પુત્રના ઉઠમણામાં વાળી લીધી. અને મંત્રીઓના પક્ષકારોએ તેજપાલના નામ 'રાજસ્થાપનાચાર્ય' એવું બિરદ ચડાવ્યું.

વર્ષવળોટ વીત્યું. લવણપ્રસાદનું શરીર ખખડી ગયું. એણે ફરી વાર વીરમદેવને તેડાવી રાખ્યો અને પછી તેજપાલને બોલાવી કહ્યું: “ભાઈ ! ધોળકા તો વીસળને આપ્યું. કહે, હવે પાટણનું તિલક કોને કરવું છે!”

“બાપુ ! મેં તો મારા મરતા રાણાને મોંએ પાણી આપ્યું છે, કે વીસળદેવને જ ગુર્જરપતિ બનાવીશ.”

“તોપણ, બેટા ! આ વખતે મારી લાગણીને માન આપ. વીરમદેવ હવે ડાહ્યો થયો છે. હવે તો એને ગુજરાતનો હિતેચ્છુ બનાવી લે. અત્યારે એના પક્ષમાં સૈન્યનો પણ એક ભાગ ભળેલ છે.”

"તો ભલે, બાપુ!”

પણ તે જ રાતે ખટપટનાં ચક્રો ચાલ્યાં. વીરમદેવને કોણ જાણે કોણે ભંભેર્યો કે મોટાબાપુના પેટમાં પાપ છે. કાળભર્યો વીરમ મોડી રાતે મોટાબાપુની પથારી પાસે આવ્યો. ઊંઘતા વૃદ્ધને એણે લાત લગાવી, જગાડ્યા ને કહ્યું: “ડોકરા ! હજુ