આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
346
ગુજરાતનો જય
 

રાજ કરવું ગળ્યું લાગે છે? હજુ છાતીએથી છૂટતું નથી ! એકને તો ખલાસ કર્યો, હવે શું તું મારા મરણની વાટ જોઈ બેઠો છે?"

લવણપ્રસાદે મૂંગાં મૂંગાં સહી લીધું. વીરમદેવના ગયા પછી વિચાર કર્યો: આ રેઢિયાળ સવાર સુધી પણ ધીરજ ન ધરી શક્યો. આને હું મારી સ્નેહની લાગણીથી દોરવાઈ જઈ ગુજરાતની ગાદી સોંપીશ તો તો ગજબ જ થશે ! અને તેજપાલને કહ્યે જ ગાદી મળી શકે છે એવું જો બનશે તો વિસળ પણ મંત્રીઓનું પૂતળું જ બની રહેશે. એ કરતાં વીસળને હું જ તેડાવીને સ્વહસ્તે કાં ન તિલક કરાવું ! મંત્રીઓ રાજી થશે ને મારું મારાપણું રહેશે.

તેજપાલ ન જાણે તેમ તેણે તે જ રાત-ટાણે પોતાના માનીતા મુસદ્દી નાગડભટને તેડાવ્યો, કહ્યું: “નાગડ ! પ્રભાતના દોરા ફૂટે તે વખતે ધોળકેથી વિશળદેવને આંહીં હાજર કરી શકીશ?”

બીડું ઝડપીને નાગડે સાંઢણી હાંકી, સાથે રાણાએ આપેલ લેખ લીધો. રાતોરાત ધોળકે પહોંચીને નાગડે પોતાનો દાવ અજમાવ્યોઃ વીસળદેવને જગાડીને પગે લાગી કહ્યું: “બાપુ, કાલ પ્રભાતે તો તિલકનું મુરત છે. વીરમદેવજીને મહારાજ બનાવે છે.”

“કોણ?”

“મંત્રીઓ.”

"કેમ?"

" કેમ શું? બધું ચક્કર ફરી ગયું છે. પણ હું આપને રાજા બનાવું તો?”

“તો તું જ મારો પ્રધાન.”

“આ લો ત્યારે.” એમ કહીને રાણા લવણપ્રસાદે મોકલેલ લેખપત્ર આપ્યું ને કહ્યું, “મહામહેનતે મોટાબાપુને ગળે ઘૂંટડો ઉતરાવ્યો છે મેં. હાલો, ઝટ સાંઢણી પલાણો. મોટાબાપુ છે, હું છું, ને આપની તલવાર છે.”

પ્રભાતે વીસળદેવ પાટણ પહોંચ્યો. સહસ્ત્રલિંગને કાંઠે કોઈ ન જાણે તેમ ઉતારો કરાવ્યો. લવણપ્રસાદે તિલક કરીને એને ધવલગૃહ (રાજકચેરી)માં લીધો, સિંહાસને બેસાર્યો અને એની છડી પોકારાઈ. તેના સમાચાર સાંભળ્યા ત્યારે વીરમદેવ આભો બન્યો. બાર હજાર ઘોડેસવારોનું સૈન્ય પોતાને પક્ષે વાળી લઈને તોફાન મચાવવાની તૈયારી કરતો અળગો થઈને ઊભો.

તેજપાલ ઘા ખાઈ ગયો. એણે લવણપ્રસાદ અને નાગડની રમતના દાવ પોબાર પડતાં ભય અનુભવ્યો. લવણપ્રસાદની હયાતીને એણે અમંગળ માની. એણે વિસળદેવને મળી વાત ઠસાવી કે નાગડ જૂઠો છે, અમે જ મોટાબાપુને દબાવીને