આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝવેરચંદ મેઘાણી
સાહિત્યજીવન


1896 જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (જિ. સુરેન્દ્રનગર).
1912 અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં.
1917 કૉલેજમાં 1913માં આરંભી ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી. એ. થયા. ત્યાં સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક થયા.
1918 કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ. એ નો અભ્યાસ રઝળ્યાં. એલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલવહેલું ગીત “દીવડો ઝાંખો બળે' રચાયું.
1921 વતનનો દુર્નિવાર સાદ' સાંભળીને કલકત્તા છોડીને કાઠિયાવાડ પાછા ફર્યા.
1922 રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક સૌરાષ્ટ્રમાં બે-ત્રણ લેખો મોકલ્યા કે તરત તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા; પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ. રવીન્દ્રનાથના 'કથા ઓ કાહિની'નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગની ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ 'કુરબાનીની કથાઓ' આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે 'ડોશીમાની વાતો' પુસ્તક બહાર પડ્યું.
1923 સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયા. હવે પછી લોકસાહિત્યનું સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બની. 1927 સુધીમાં ‘રસધાર'ના પાંચ ભાગ પૂરા થયા.
1928-29 બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે 'પ્રિયતર' ગણેલાં ગીતોના સંગ્રહો “વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ' આપ્યા.
1929 લોકસાહિત્યના સંશોધન બદલ પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક (1928) અર્પણ થયો. જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાન આપ્યાં.