આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

9
બે લક્ષ્મીની પ્રાપ્તિ

ચંદ્રાવતીના ધરણિગ શેઠે પાટણમાં વધુ દિવસ મુકામ લંબાવ્યો અને વિજયસેનસૂરિએ અનોપનાં શીલ-ગુણ વધુ ઝીણવટથી તપાસ્યાં. રૂપે અનોપ શ્યામળી હતી, પણ એના ગુણો એ શ્યામ ચામડીમાં લળક લળક થતા હતા - જે રીતે શનિ નામના શ્યામ હીરામાં પાણીનું તેજ લળક લળક થાય.

વિજયસેનસૂરિ એક વાર કુમારદેવને એકાંતે મળ્યા. પોતાના ગુરુદેવે મૃત્યુ પૂર્વેના તે દિવસે ભાંગીતૂટી વાણીમાં પોતાને કાનમાં જે રહસ્યકથા કહી હતી તે સ્પષ્ટ કરી. ગુરુએ અનોપને ચંદ્રાવતીમાં પહેલાં નિહાળી હતી. સામુદ્રિકો એના અદ્દભુત ભાસ્યાં હતાં. આ બે છોકરાઓમાંથી એકનો સંસાર એ દીપાવે તેવી છે.

કુમારદેવને મોંએ સ્મિત પથરાયું. એણે કહ્યું: “ત્યાગીઓ પોતાના પ્રિય શિષ્યોનાં સાંસારિક તકદીર ઘડવામાં પણ હાથ નાખે છે, તો સમાજ ધુત્કારશે નહીં?”

“ધુતકારશે – ધુતકારે છે. પણ આજે કાળ જુદો છે. આ બાળકોનો સ્વધર્મ જે જે પ્રકારે સચવાય તે પ્રકારે સહાય દેવાની હિંમત કરવી એ સાધુની ફરજ છે."

“તો શું ધારો છો?”

“વસ્તિગનું વાગ્દાન બીજે થઈ ચૂક્યું છે. તેજિગ બાકી છે.”

“એની માતાને હું કહેવરાવું?”

“હા. ને મારું પણ અનુમોદન લખજો. ધરણિગ શેઠ ત્યાં જ જવાના છે.”

“તો તો છોકરાઓને પણ હું ઘેર જઈ આવવા કહું.”

“આપની સન્મતિ ચાલે તેમ કરો.”

ધરણિગ શેઠનો પડાવ ઊપડવાનો હતો તેના આગલા દિવસે કુમારદેવે બે ભાઈઓને બોલાવ્યા: "વસ્તિગ, તેજિગ, તમારા ભાઈના મૃત્યુ પછી તમારી આંખે આંસુ સુકાયાં નથી. માતા પણ વલવલતી હશે. ધરણિગ શેઠ જાય છે તેની સંગાથે આંટો જઈ આવો.”

વસ્તિગ-તેજિગને આંતરિક રહસ્યની ખબર નહોતી. તેમનાં અંતર પણ માની