આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
52
ગુજરાતનો જય
 

તારો સામે છે, આ ખીજડાના ઝાડની ઉપર હરણનું નક્ષત્ર છે. મેં બરાબર નક્કી કરી લીધું છે.”

“એ શું ખણિંગ જેવો અવાજ થયો, તેજિગ !” વસ્તિગે ખોદતા તેજિગને પૂછ્યું.

“જમીનમાં કાંઈક પથ્થર જેવું લાગે છે, કોશ અફળાય છે.”

“ના ના. પથ્થર ન હોય.”

"મને પણ કાંઈક રણકારો સંભળાણો.” અનોપ વચ્ચે બોલી ઊઠી અને ચોપાસની માટી પોતાના ખોળામાં ભરી ભરી કાઢવા લાગી.

“આ તો કશુંક વાસણ દાટેલું લાગે છે, મા!” એ છોકરી પાછી બોલી.

"બહુ ખબર !” તેજિગને એ છોકરીનું દોઢડહાપણ ગમતું નહોતું.

"હવે ધીમે તો બોલો !” તેજિગ તરફ અનોપે ઠપકાનો હળવો બોલ કહ્યો, "હું કહું છું કે નક્કી કાંઈક વાસણ છે. ચોમેરથી માટી કાઢો.”

થોડી જ વારે ખાડાની વચ્ચેથી એક કળશ આકાર ઊંચો થયો. અંધારામાં એ કળશને બહાર કાઢવા મથતા તેજિગના ને અનોપના હાથ એકબીજાને સ્પર્શ કરતા હતા. તેજિગે લાગ જોઈને અનોપના હાથ પર એક ચૂંટી ખણી લીધી. ચૂંટી કેટલી સખત હતી તે તેજિગને ખબર હતી. એના નખમાં જોર પણ જેવું તેવું નહોતું. એની ચપટી લોહીના ટશિયાથી ભીંજાઈ, છતાં અનોપે ઓઈકારો પણ ન કર્યો.

“બા, ચાલો પાછાં ઉતારે. અત્યારે નથી દાટવું.” એમ કહી તેજિગે ખોદાયેલો કળશ મહામહેનતે ખભા પર લઈ લીધો ને વસ્તિગે બાને દાટવો હતો તે દરદાગીનાનો. નાનો દાબડો ઉપાડી લીધો.

ધર્મશાળાના એક ઓરડામાં ત્રણે જણાં એ કળશ તપાસવા મળ્યાં ત્યારે અનોપ બહાર જ ઊભી રહી. એને તેજિગે ઓરડામાં જતે જતે કહ્યું હતું: “તારું ત્યાં કંઈ કામ નથી.”

તેજિગે એ છોકરીને તડકાવી તેની જાણ વગરનાં બાએ તો સ્વાભાવિકપણે જ કહ્યું: “અનોપ, દીકરી, ક્યાં ગઈ? આવ તો !”

અનોપ ન આવી, એટલે બા બહાર જઈને એનો હાથ ઝાલી તેડી લાવ્યા ને કહ્યું: “બેસ બેટા, ને જે કાંઈ છે તે બધું જ બરાબર જોઈ લે. એમ જુદી ને જુદી તરતી ન રહે.”

"કોણ જાણે કયું સગપણ ફાટી નીકળ્યું છે !” તેજિગ બહાર જઈને બબડી આવ્યો.

કળશ ઉપર ચડેલી માટી ખંખેરાઈ. બાની છાતી ધડક ધડક થતી હતી. આ શું કૌતક ! કોનું ધન ! કોણ જાણે કેવી કમાણીનું  ! કોઈ વાંઝિયાનું? કંજૂસનું? કોઈ