આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે લક્ષ્મીની પ્રાપ્તિ
53
 

નિર્દોષને લૂંટી ખૂન કરીને ચોરોએ સંતાડેલું?

"બા!” વસ્તિગે કહ્યું, “કળશ તો લાગે છે કોઈક કાળાંતરનો, આ ઘાટ અત્યારનો ન હોય. એકેએક ચિહ્ન અસલના કોઈ દટ્ટણપટ્ટણના કાળનું દીસે છે.”

ખવાઈ ગયેલા ઢાંકણાને મહામહેનતે ખોલ્યું ત્યારે અંદરથી સોનાના સિક્કા નીકળી પડ્યા; કાળજૂના સિક્કા ! ને જથ્થો પણ કઈ જેવો તેવો નહોતો. તેજિગ તો ઘેલો બનીને બોલી ઊઠ્યો: “બા, લક્ષ્મી ત્રૂઠ્યાં. જિનદેવે જ આપણને આપ્યું.”

"ઉતાવળો ન થા. ને અંદરની બધી ચીજો બહાર કાઢ.” વસ્તિગે ગંભીર ચહેરે કહ્યું.

એક પત્ર પર કાંઈક લખાણ નીકળ્યું. તેજિગ ન ઉકેલી શક્યો. વસ્તિગે અક્ષરો બેસાર્યા: ‘કાન્યકુબ્જના રાજેશ્વર ....ની કુમારી મહણદેવીને ગુર્જરરાષ્ટ્ર કાપડામાં મળેલો છે, તેનું સુવર્ણ છે.'

"ત્યારે તો સેંકડો વર્ષો પૂર્વેનું. ત્યારે તો કશી હરકત નહીં, હો બા” તેજિગે માતાના ચિંતાતુર મોં સામે પોતાની લોભણી નજર માંડી.

"શું કરશું?” માતાના મોંએથી ચિંતાભાર ઓછો નહોતો થતો.

"ફેમ શું કરશું? આપણને જડ્યું છે. ને કોઈ બીજાનું આપણે લઈ લીધું નથી. પૃથ્વીએ આપણને જ માયા સમર્પી છે.” તેજિગ પોતાની ગણતરીને મજબૂત કરતો હતો.

"પણ ભાઈ!” માતાએ મૃદુ સ્વરે સમજાવ્યું: “આપણી કમાઈનું તો નહીંને?”

“એટલે શું?"

"કોઈ અવગતિએ ગયેલ જીવનું હોય, તો આપણા ઘરની લક્ષ્મીને પણ લઈને જાય. તારા બાપુએ જ મને ભણાવેલું ભાઈ, કે એમના પૂર્વજોની લક્ષ્મી એમના ઘરમાંથી પગ કરી ગઈ, કેમ કે એ રાજની લક્ષ્મી હતી; એ લક્ષ્મી ઉપર કોણ જાણે કેવાંય પ્રજાજનોની પાંપણનાં પાણી પડ્યાં હશે.”

"તેજિગ, બા એ બરાબર કહે છે.” વસ્તિગે ટેકો આપ્યો.

“તો શું કરશું આનું?”

“શું કરશું?”

કોઈને કશું સૂઝતું નથી.

બાઘોલાં જેવાં બનીને બેઠેલાં એ ત્રણેની પાછળ અનોપ લપાઈને બેઠી બેઠી, મનમાં મનમાં કશુંક બોલતી હતી.

"તું તો કાંઈક બોલ, બેટા અનોપ !” બાએ અનોપને પૂછીને તેજિગને ચીડવ્યો, “તને કાંઈ સૂઝ પડે છે?”