આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પારકી થાપણ.
61
 

એ તો જીતી ગયા. ને ભાઈ, કોઈ કરતાં કોઈ પૂછે તો કહેજે કે મા તો નાનો મૂકીને મરી ગઈ છે.”

“ફરી વાર –"

"ફરી વાર હવે મળવાનું નહીં બને, મારા પેટ !”

કંસાર ગળા નીચે ઊતર્યો નહીં. પણ બાપે બેટાની સાથે છેલ્લી વાર ધરાઈને ખાઈ લીધું.

"એ હું અહીં નહીં પહેરું.” તેડવા આવનાર દૂતે એને આપવા માંડેલા રાજપોશાક ધારણ કરવાની એણે ના પાડી. પોતાનાં ખેડુ-વસ્ત્રે જ એ જાડી ભેટપિછોડી બાંધીને તૈયાર થયો.

છેલ્લી વાર એ પોતાના ઉપરવટ નામે વછેરાને મળી લેવા ઘોડહારમાં ગયો. ત્યાં જઈ જુએ તો દેવરાજ પટ્ટકિલ ઘીનો દીવો કરીને વછેરા ઉપરવટ પર નવોનકોર સામાન નાખતા હતા, ગળે જેરબંધ અને મોવટો નાખતા હતા.

ઉપરવટને છોડીને દેવરાજ બહાર લાવ્યા, કહ્યું: “લે બાપ, પલાણી જા. આ ઉપરવટ તને રણસંગ્રામમાં વિજય દેજો. વીરને શોભે તેવું મૃત્યુ અપાવજો.”

"એકલો વળાવી મૂકવો છે?” મદનરાજ્ઞીએ દેવરાજને એકાંતે પૂછ્યું. એના મોં પરનો ઘૂમટો વણઊપડ્યો રહ્યો, ને જિંદગીભર એ મોં ઢાંકેલું જ રહ્યું હતું.

"ત્યારે ?” દેવરાજે પૂછ્યું.

“ક્ષત્રી શું ધારશે ?”

“તો હું મૂકી આવું?”

"તમે એકલા નહીં. હું પણ સાથે આવું. મારે છેલ્લી વારની થોડી ભલામણ કરવી છે."

“રૂબરૂ મળવું છે?”

“હા, પણ વગડામાં.”

બેઉ જણાંએ વીરધવલને સંગાથ કરાવ્યો. અને વીરધવલને સંભાળી લેવા માટે રાણા લવણપ્રસાદને વાત્રક-ચંદનાના મહાસંગમ વૌઠેશ્વર મહાદેવ પાસે તેડાવ્યો. રાણા લવણપ્રસાદને ખબર નહોતી કે વીરધવલને મૂકવા એક બાઈ પણ આવેલ છે. છ વર્ષ પછી પહેલી જ વાર વીરધવલને નિહાળવાનું અને પોતાના પુત્ર તરીકે સ્વીકારવાનું ટાણું બહુ કપરું બન્યું. મંદિરના ઓટા પર બેઠાં બેઠાં બેઉ નીચાં માથાં ઢાળી રહ્યાં. તેમને આમ બેસવા કરતાં તો નવકૂકરી રમવાનું વધુ સ્વાભાવિક થઈ ગયું હોત. ને દેવરાજ તો પોતાના રુદાનું રુદન પૂરેપૂરું ઠાલવી નાખવા તેમ જ મદનરાજ્ઞીને અને રાણાને નિર્બંધપણે મળવા દેવા દૂર ચાલ્યો ગયો હતો. રાત