આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
84
ગુજરાતનો જય
 

નથી. મારી કલ્પના ચાલતી નથી. પણ મારા ભાઈના વતી હું આપનો બાન બનું છું. મને આ ઊંટ પર લઈ લો. મારું ઘોડું કોઈક દોરતા આવો. ને આપ ચાલો, હું સાથે છું.”,

એ શબ્દો બોલનારના મોં ઉપરથી કવિત્વની તમામ રેખાઓ વિરમી ગઈ હતી, ને ટાઢું શોણિત ધમધમી ઊઠી એ ચહેરાને નવી લાલાશે મઢી રહ્યું હતું, એ રાણા વીરધવલે નિહાળી લીધું. એણે કહ્યું: “તમને બાન પકડીને મારે શું કરવા છે?"

“મારો ભાઈ તેજપાલ જો રાજગઢને અડ્યો હોય તો મારો શિરચ્છેદ કરજો. ને મારી આ પોથીઓને આગ મૂકી મને તેની ચિતા પર સુવાડજો.”

“એ તો ઠીક છે,” રાણા મલકી રહ્યા, “પણ તમને શું લાગે છે?”

"મારો ભાઈ કંટો ને કરડો છે. જલદી ન ઉશ્કેરાય તેવો છતાં ઉશ્કેરાય ત્યારે ઝાલ્યો ન રહે તેવો છે. અપકૃત્ય કદી એણે કર્યું નથી. છતાં આ એના જીવનની પહેલી જ કસોટીમાં એણે શું કર્યું હોય તે હું કહી શકું નહીં. ચાલો હું આપનો બાન છું, ચાલો જેહુલ ડોડિયા, મને હાથનો ટેકો આપો.” એમ કહેતે એણે સાંઢિયાસવાર તરફ હાથ લંબાવ્યો.

“રહો, હું ઝોકારું છું.”

ઝોકારવાની જરૂર નથી.” એમ બોલીને વસ્તુપાલે ઊંટસવારનો પંજો ઝાલી, પોતાના શરીરને ધરતી પરથી, વાણિયા મણ-મણની ધારણ ઉપાડે તેવી આસાનીથી ઊંચકી લીધું; ને એક જ ટેકે એ ઊંટના કાઠામાં ગોઠવાઈ ગયો. એણે ઊંટસવારને કહ્યું, “ઊંટને મોખરે રાખો.”

ધોળકાના રાજગઢની ચિંતા અને બનેલા મામલાનો વિચાર રાણા વીરધવલની મનમાંથી ઘડીભર હટી ગયો. ઘડીભર એણે આ અર્ધઘટિકા પૂર્વેના કવિતા લલકારનાર પોથીપ્રેમીના દેહની ને દિલની દક્ષતા અને દિલગજાઈ નિહાળી લીધી. પણ ધોળકા જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ ઉત્પાતનું એકેય ચિહ્ન નજરે પડ્યું નહીં. સીમમાં ખેડૂતો પણ કશું જ જાણે બન્યું નથી એમ ખેતી કરી રહ્યા હતા.

“અલ્યા ભાઈ, ધોળકે હોબાળો શો મચ્યો હતો ?” રાણાએ એક ખેડુને પૂછ્યું.

“એ તો બાપુ, બધુંય સમાઈ ગયું, મામાએ દંગલ મચાવેલું, પણ મામા રફુ થઈ ગયા, એટલે લીલાલે'ર થઈ ગઈ. બાજી તેજપાલ શેઠને હાથ હતી ખરીના, એટલે કાબૂમાં રહી ગઈ.”

ખેડુના આખાભાંગ્યા એ શબ્દોએ વસ્તુપાલને શાંતિ દીધી.