આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના.

ઉચ્ચગામી, ભવ્ય, સુખકર, સામાન્યરાગદ્વેષ યુક્તજીવનની પારની, ભાવના નિરતર ભરેલી રહે નહિ તો ગમે તેવો મહાત્માએ થોડાકમાંજ તણાતે તણાતે રાક્ષસ થાય એમાં કશું આશ્ચર્ય નથી. આવો અધઃપાત અટકાવવાનેજ સર્વ પ્રકારની ધર્મ, નીતિ, શાસ્ત્ર આદિની યોજનાઓ છે, ઉચ્ચ પ્રકારના વાચનનો પણ એજ હેતુ છે. આ ગ્રંથમાંનાં પાત્રોની રચના આ પરમ સત્યનું ભવ્ય ઉદાહરણ છે એટલુંજ નહિ પણ આ આખી વાર્તાના વાચનથી વાચકને પ્રાકૃત જીવન કરતાં કોઈ અતિ ઉન્નત અને આલ્હાદક જીવનનું ભાન થયા વિના રહેતું નથી. એટલે અંશેજ આ વાર્તા અન્ય વાર્તાઓ કરતાં ભિન્ન પડે છે. એક વાર વાંચી ગયા અને દૂર મૂકી એટલે પુનઃ એ પુસ્તક ક્યાં છે તેની પણ કોઈ શોધ કરતું નથી, એવી સામાન્ય વાર્તાઓની સ્થિતિ છે. આ વાર્તાને વારંવાર વાંચવાનું, એના ઘણા ઘણા પ્રસંગો વિષે શાન્ત રીતે મનન કરવાનું, અને એમ આપણા પોતાના જીવનના અનેકાનેક પ્રસંગોને વાર્તામાં નિરૂપેલા પ્રસંગો સાથે સરખાવી ઉન્નતિનો માર્ગ શોધવાનું મન થાય છે. મનુષ્યહૃદયમાં જે નાના મહોટા વિક્ષોભ થાય છે તે સર્વનું એવી સૂક્ષ્મતાથી આ વાર્તામાં ગુંફન થયુ છે કે મહોટા તત્ત્વજ્ઞાનીથી તે અતિ પ્રાકૃત જીવન ગાળનાર વ્યાવહારિક માણસ સુધી કોઈ પણ એમાં પોતાનું કાંઈક ન દેખે અને પોતામાં જે હોય તેને ઉન્નત કરવાનો માર્ગ ન પ્રાપ્ત કરે એમ નથી. અતિ ગૂઢ તત્ત્વવિચારોથી ભરપૂર છતાં, સામાન્ય વાચકને રસિક થઈ શકે એવાં અનેક આકર્ષણોથી આ વાર્તાતર છે, ને એમાંજ આ રચનાનું સામર્થ્ય કે ઉત્કૃષ્ટત્વ છે.

આજ પર્યંત આપણી ભાષામાં લખાયેલી નવી જૂની સર્વ વાર્તાઓ કરતાં આ વાર્તા વિલક્ષણ પ્રકારની છે. રચનાની પદ્ધતિ પણ જુદી જ છે. મને પોતાને મૂલ અંગરેજી વાંચતાં જે જે ભાવનો ઉદય થયેલો તે આ પ્રસ્તાવનામાં મેં કહી બતાવ્યો છે. મૂલનો તો એક આકારમાત્રજ મારાથી રાખી શકાયો છે, કેમકે અત્રત્ય વાચકને અનુકૂલ કરવા માટે અનેકાનેક વિકૃતિ મૂલ વ્યવસ્થામાં મારે કરવી પડી છે. જાણે ‘ઝેનોની’ ઉપરથી સૂચના થતાં એક નવીન વાર્તાજ યોજી હોય એટલો બધો ફેર પડી ગયો છે. છતાં મૂલમાં જે માહાત્મ્ય અને ભવ્યતા છે તે મારી દુર્બલ રચનામાં હોવાનો સંભવ નથી, એટલે જ્યાં યત્કિંચિત્ સામર્થ્ય જણાય ત્યાં યશ મૂલને છે, જ્યાં દોષ કે દુર્બલતા લાગે ત્યાં મારો ભાગ છે.

નડીઆદ,
તા. ૧ જુન સને ૧૮૯૭
મણિલાલ નભુભાઈ દ્વિવેદી.
}