આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
સિદ્ધિની લાલસા

“તું અહીંથી તારું મોં સંતાડ એટલુંજ.”

બંદો દાંત કચડતો, ને હાથ અફાળતો, ચટ ઉઠીને વેગળો ખસ્યો. ગુલાબસિંહ ઉભો ઉભો હસતો હતો; તેની દૃષ્ટિથી જેમ જડાઈ ગયો હોય તેમ બંદો એકદમ અટકી ઉભો રહ્યો, આખે શરીરે થથરવા લાગ્યો, અને મહા ખેદથી અને જેમ કોઈ ખેંચી જતું હોય તેવા કષ્ટથી ચાલતો થયો.

લાલો તો એના તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો. ગુલાબસિંહે પૂછયું “આ માણસ વિષે તમે શું જાણો છો ?”

“મારા જેવો ચિત્રવિદ્યાનો એ પણ ઉપાસક છે, એટલુંજ.”

“વિદ્યા ! એ પવિત્ર શબ્દને એવા માણસ સાથે જોડી અભડાવો ના. જેમ ઈશ્વરને મન પોતાની શક્તિ છે, તેમ માણસને મન વિદ્યા હોવી જોઈએ — ભવ્ય, સુખમય, આનંદમય અને અનુકૂલ રચના કરવાવાળી હોવી જોઇએ. આ હરામખોર ચીતારો હશે પણ ચિત્રવિદ્યાનો ઉપાસક તો નહિજ હોય.”

“મને ક્ષમા કરજો. પણ જેની તમે આટલી નિંદા કરો છો તેના વિષે તમે શું જાણો છો ?”

“હું એટલું જ જાણુંછું કે એ માણસ પાપી છે એવી ચેતવણી તમને આપવાની જરૂર હોય તો તે હુંજ તમને આપું. એના શબ્દોજ એનું હૃદય ઓળખાવી આપે છે, એણે જે પાપ કર્યાં છે તે કહી બતાવવાની જરૂર નથી; એની વાણીજ પાપમય છે. જેનો વિશ્વાસ પ્રાપ્ત કરવા એ યત્ન કરે છે તેનોજ વિઘાત ઈચ્છે છે; મોઢા સામું જોઈ વાત કરતાં પણ માણસના પગ તકાસે છે.”

“અહો મેહેરબાન ગુલાબસિંહ ! ત્યારે તો તમે રાજ્ય ખટપટની જે વાતો ચાલે છે તેને માનતા નહિ હો; તમને એ વાતજ પસંદ નહિ હોય; તેથી તો તમે આ માણસને ધિક્કારતા નથી ?”

“કયી વાત ?”

“જેમાં નાત, જાત, કુલ અભિમાન બધું બાજુએ રાખી સર્વ માણસો સરખા થઈ સુખે રહે તે વાત તમને ભાગ્યેજ નાપસંદ હશે.”

“મુસલમાનો આપણા મુલકમાં આવી સર્વને એમ રાખવાના છે કેમ વારૂં ? રાખવા ઇચ્છતા હશે તો પણ રાખી શકશે ખરા ? સ્વાભાવિક વિશ્વરચનાના સ્થૂલ અને સૂક્ષ્મ નિયમાનુસાર થઈ આવતા બુદ્ધિ, વૃત્તિ અને એકંદર પ્રકૃતિના ભેદને તે નિર્મૂલ કરવાનો દાવો કરે છે ? અવાસ્તવિક અને