આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુલાબસિંહ

બાંધ્યો હતો;– તે પરણ્યો હતો; અને તેને એક છોકરૂં હતું. વધારે આશ્ચર્યકારક તો એજ છે કે એની સ્ત્રી ઉદયપુરના કોઈ શૂરવીર રજપૂતની દીકરી હતી. એ જાતે કોઇ તવંગર રજપૂતનો ફરજન હતો, પણ પાયમાલ થઈ ગરીબ દશામાં આવી ગયો હતો. એની પત્ની એના કરતાં વયે નાની હતી; રૂપે દેખાવડી તથા સ્વભાવે ઘણી પ્રેમાલ હતી; અને તેનું મુખ ઘણું રમણીય અને આનંદી હતું. તે તેને પોતાની મરજીથી પરણી હતી અને હજુ પણ તેને સારી રીતે ચહાતી હતી. આવી સ્ત્રી આ શરમાળ અતડા, અને એકમતિયા માણસને ક્યાંથી મળી આવી હશે અથવા તે તેને કેમ પસંદ પડ્યો હશે એવો વિચાર ઘણાંને થઈ આવશે. પણ જે ફક્ત રૂપ કે કુલ કે બીજો એવોજ લાભ જોઈને પરણી અથવા પરણાઈ બેસે છે, તેની હાલત વિચારતાં આ વાતમાં કાંઈ પણ નવાઈ નહિ લાગે. એ સ્ત્રી એવી રીતે જન્મેલી હતી કે એનાં માબાપ એને પાછળથી પોતાની કરી શક્યાં નહિ. તેનો અવાજ અને અક્કલ સારાં હોવાથી તેને પોતાનું ગુજરાન ચલાવી લેવા જેટલો ગાવા બજાવવાનો ધંધો શિખવવા માટે દિલ્હી મોકલેલી હતી. ત્યાં આવી એ છોકરી સરદાર પાસે તાલિમ લેતી હતી. સરદારનો સ્વર એજ તેના કાનમાં, મનમાં, જીવમાં રમી રહ્યો; નાનપણથી મોટી થઈ ત્યાં સુધી એનું એજ સાંભળવાથી એનો જીવ એનામાંજ બંધાઇ ગયો; બન્ને પરણ્યાં. આ સ્ત્રી સરદારને અત્યંત પ્રેમથી ચહાતી. દરબારી દ્વેષી લોકના ફાંસામાંથી સરદારને બચાવી લાવતી, એની વ્યાધિના વખતમાં એને એકભક્તિથી મદદ કરતી,–અરે ! અંધારી રાતે વરસાદની ઝડીમાં પોતાના પતિને રાસધારીઓમાંથી ઘેર તેડી લાવવા માટે ફાનસ લઈને જતી, એવા ભયથી કે રખેને “લક્ષ્મીપ્રભવ” ના વિલક્ષણ વિચાર કરતો મારો પતિ “લક્ષ્મી” ની પાછળ પાછળ જમનામાંજ ચાલી જાય. ઘેર આવીને પણ સરંગી લેઈ રાગનાં તાન મારતા પોતાના પતિને બહુ રસભેર સાંભળી સાંભળીને, અનુમોદન આપતી. જેમ ગાન એ સરદારનું અંગ હતું તેમ આ સરદારની સ્ત્રી પણ એના ગાનનું એક અંગ થઈ પડી હતી; કેમકે જ્યારે જ્યારે તે એની પાસે બેઠી હોય ત્યારે એના ગાનમાં એક નવી તરહની ખુબી અને લજ્જત સ્વાભાવિક રીતેજ પ્રકટ થઈ આવતી. સરદાર પોતે પણ તેને અંતઃકરણપૂર્વક ચાહતો પણ બોલવાની ટેવ ન હોવાથી પ્રેમનાં ભાષણ આપી શકતો નહિ; તેમ પોતાની સરંગીમાંથી એમ કહેવા