આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રમાનું ઘર.

માટે પરવારતો પણ નહિ. પોતાના મનમાં એમ નિરંતર સમજતો કે હું એને સારી પેઠે ચાહું છું અને એ સુખી થાય એમ ઈચ્છું છું.

પોતાની દીકરીનું નામ એમણે પોતાના કાવ્ય ઉપરથી રમા એવું રાખ્યું હતું. સરદારના ગાનનીજ જાણે ઉત્પત્તિ હોય નહિ, એવી રમા હતી; એની આકૃતિમાં તથા વૃત્તિમાં જે ગાન એના પિતાની સરંગીમાંથી પ્રતિરાત્રિ જમના ઉપર પસરી રહેતું હતું તનો કાંઈક આવિર્ભાવ થયાં કરતો હતો; જ્યારે જોઈએ ત્યારે નવે નવો રમણીય દેખાતો હતો. તે ખુબસુરત હતી; ઘણીજ ખુબસુરત હતી; સર્વ વિરુદ્ધ ગુણનોજ જાણે સમુદાય હતી ! એનો ચોટલો ગુલાબી કાશ્મીરી ઉન જેવો ચળકતો હતો ને વચમાં વચમાં સોનેરી ઝલકની છાંટ હતી; એની આંખો હિમાલયનાં હરણની આંખો જેવી વિશાલ, કાળી અને પ્રેમાલ હતી. મુખનો આકાર પણ અતિશય આનંદકારક છતાં સર્વદા એકનો એક રહેતો નહિ, એક ક્ષણે ઘણોજ આનંદપૂરથી છલકાતો, એક ક્ષણે ઉદાસીથી કરમાઈ જતો. સંગીતને તાલેજ જાણે પગ મેલતી, તાલના લય પ્રમાણેજ જાણે ડગલાં ભરતી, રાગના આલાપનુંજ જાણે અંગે અંગની ગતિમાં અનુકરણ કરતી, સ્વરમૂર્તિજ હતી.

આ દંપતીની દીકરીને કોઈ પણ જાતની કેળવણી તેમના તરફથી મળી નહતી. તેમના પોતાનામાંજ આને આપવા લાયક કાંઈ જ્ઞાન હતું નહિ; તેમ હાલની પેઠે તે દિવસોમાં છોકરીઓને ભણાવવાનો રીવાજ પણ નહતો. પણ રમા સ્વાભાવિક રીતે દૈવેચ્છાથીજ કાંઈક શીખી શકી. એનાં માબાપ જાણતાં હતાં એમાંનું કાંઈક જાણી લીધા પછી તે વાંચતાં લખતાં પણ શીખી. સરદારની વિલક્ષણ રીતભાતને લીધે એની પત્નીને એની પાસે વારંવાર રેહેવું પડતું તેથી રમા ઘણીખરી એક દાસીના હાથમાં રેહેતી. આ દાસીની જવાની પ્રેમમય ગઈ હતી, વૃદ્ધાવસ્થા વ્હેમમય થઈ હતી. તે ઘણી વાતોડી, સહજ ઘેલી, તેમજ ગપ્પાંખોર પણ થઈ ગઈ હતી. કોઈવાર રમાના આગળ તારૂં લગ્ન કોઈ મહોટા રજપૂત સાથે થાય તો કેવું એવી વાતો કરે, અને કોઈવાર ભૂત અને પ્રેતની વાતો કરીને તેને ડરાવી મારે. આ બધામાંથી રમાની કલ્પનામાં જુદા જુદા સંસ્કાર પડવા લાગ્યા; અને તેને ધીમે ધીમે પોતાના પિતાના ગાન ઉપર ઘણી પ્રીતિ થવા લાગી.