આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
ગુલાબસિંહ.

“તું તો હજી પણ એનો એજ રહ્યો; તને આ ભૂત વળગ્યું છે તે હજી નીકળ્યું નથી. ગુલાબસિંહ મહોટો ભવિષ્યવેત્તા થઈ આવ્યો ! બધાં ભૂત પ્રેત એનેજ તાબે હશે, નહિ !”

આવી વાત ચાલે છે એટલામાં એક જણે આવીને ખબર કરી કે જ્વાલામુખી તરફ ચઢવાને ઘોડા તૈયાર છે, તથા ભોમિયો પણ ખોટી થાય છે. બન્ને જણા કમર કસીને ઉભા થયા. ચલતે ચલતે છેક સંધ્યાકાલ થઈ ગયો તે વખતે જ્વાલામુખીમાંથી ઉઠતા ભભૂકા સ્પષ્ટ દૃષ્ટિગોચર થવા લાગ્યા. જેમ જેમ સૂર્યનો પ્રકાશ ખસતો ગયો તેમ તેમ ચોતરફ ધીમે ધીમે ઝીણા શ્યામ રંગની છાંટની પેઠે વૃદ્ધિ પામતા અંધકારથી ઘેરાયેલો અગ્નિનો ભભૂકો વધારે પ્રદીપ્ત જણાવા લાગ્યો; ખાઉં ખાઉં કરતો, લાંબી જીભના લપકારા કરી આસમાનને પણ ગળી જતો; ભડકો ઉચે ઉચે ઉડવા લાગ્યો. લાલાના હૃદયને વિશ્વલીલામાં લીનતા તો એની સાથે થઇજ હતી, હવે એના હૃદયમાંનો દિવ્યઅંશ આ દિવ્ય તેજરૂપ થઈ ઉંચે ઉંચે ઉડવા મંડ્યો. એને નાના પ્રકારનાં દર્શનો થવા લાગ્યાં. એ સ્થાનની ભૂમિ સજીવ જણાવા લાગી વિવિધ સત્ત્વના અસ્તિત્વની એને પ્રતીતિ થવા માંડી. આમ આત્મા મનના આનંદમાં મસ્ત લાલાજી અને સૃષ્ટિલીલાને સાદી નજરે જોઈ ભડકાનું વિકરાલ ભડકાવવાપણુંજ નિરખતો રામલાલ બન્ને ચાલ્યા જાય છે; સૂર્યાસ્ત થયો; રસ્તો પણ સાંકડો આવ્યો; માથા ઉપર ચંદ્રના કિરણ ઝળકવા લાગ્યા. રૂપેરી જ્યોત્સ્નાપ્રવાહમાં સ્નાન કરી અગ્નિદેવને સાક્ષી રાખી પૃથ્વી અને સ્વર્ગ એકરૂપતા પામવા લાગ્યાં – આનંદમાં નાચવા લાગ્યાં. ઘોડા મૂકી દેવા પડ્યા, અને લાલાજી તથા રામલાલ ભોમિયાને આગળ કરી પગે ચાલતા જ્વાલા તરફ જવા લાગ્યા. રામલાલ ભોમિયાને વિવિધ વાતો પૂછતો હતો, પર્વત ઉપર કોણ આવે છે, કેમ આવે છે, ક્યાં સુધી જઈ શકાય છે, જ્વાલામુખીથી કાંઈ ભય છે કે નહિ, રાતને સમયે જનાવરનો ભો છે કે કેમ, ઈત્યાદિ અનેક ચર્ચા ચાલતી હતી. ભોમિયો પોતાને મળતા પૈસાથી આનંદ પામી જાત્રાલુઓની પ્રશંસા કરતો હતો, ને નાના પ્રકારની કહાણીઓ જ્વાલામુખીના સંબધે કહેતો હતો, તથા ચંદની રાતેજ જ્વાલામુખીના દર્શનની ખુબી છે એમ સમજાવતો હતો. એવાજ પ્રસંગમાં તે બોલ્યો કે “એક વાર કાશીના કોઈ શ્રીમંત લોક અહીં આવ્યા હતા, તે એવા તો બહાદુર હતા કે ઠેઠ જ્વાલાના મુખ આગળ જઈને બેઠા હતા. અમે પાછા ઉતરી ગયા, ત્યારે તેમાંના એકની શાલ ઉપર રહી ગઈ હતી