આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
સિદ્ધિનો પ્રેમમાં લય.

કે લોક ગમે તેમ બોલે પણ તું તારી મરજી પ્રમાણે નક્કી કરજે, ઉમરાવ – કે અમુક કુંવર, કે લાલો કે ગુલાબસિંહ, બધું એકજ છે, એમ બોલવા લાગી, પણ વળી ઉમેરતી ચાલી કે સર્વ કરતાં લાલાજી ઠીક છે. લાલાનું નામ સાંભળી રમાએ જે નીસાસો મૂક્યો તેનો અર્થ પણ ડોશીએ તો પોતાની મરજી પ્રમાણે કર્યો, અને લાલાના હાવભાવ ઉપર રમા ઝાઝું લક્ષ હવણાંની આપતી ન હતી તે માટે તેને ઠપકો દેવા લાગી, તથા લાલાનાં વખાણ કરવામાં બધી ચતુરાઈ વાપરવા લાગી. છેવટે કાંઇ ન ફાવ્યું ત્યારે બોલી કે “ગમે તેમ હો, પેલા બીજા અમીરની વિરુદ્ધ કાંઈ કહેવાય તેમ ન હો, તો પણ એટલુંજ બસ છે કે એ તે દિલ્હીથી જવાની તૈયારીમાં છે.”

“દિલ્હીથી જવાની તૈયારીમાં ! -ગુલાબસિંહ !”

“હા, મા ! જમનામાં હું આજ માટલી ભરવા ગઈ ત્યારે ત્યાં એક હોડી આવી ને ઉભી હતી, ને તેના ખારવાની આગળ પાછળ લોકનું ટોળું મળ્યું હતું. ખારવા કહેતા હતા કે પવન બરાબર થતાની સાથેજ હોડી હાંકીશું. તેઓ સામાન પણ લેતા હતા, ને—”

“જા, જા, જા, તું હમણાં જા; મને એકલી પડી રહેવા દે”

એ સમય વીતી ગયો હતો કે જેવામાં રમા ડોશી ઉપર વિશ્વાસ કરી પોતાનું હૃદય તેને જોવા દે. એનો આવેશ એવી સ્થિતિએ પહોંચ્યો હતો ! એ સમયે હૃદય એમજ સમજે છે કે મારી વાત કોઇ ગ્રહણ કરી શકનાર નથી, ને તેથી કોઈના પર પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી. પોતાના ઘરના મહોટા દીવાનખાનામાં એકલી પડેલી રમા, પૂર્ણ આવેશથી આમ તેમ ફરવા લાગી; એને બંદાની બીહામણી માગણીનું સ્મરણ થયું; લાલાનું અપમાન ભરેલું વચન સાંભરી આવ્યું; અને રંગભૂમિ ઉપર જે અગાધ માન નાચનારીને — રમા એ સ્ત્રીનેજ નહિ પણ નાચનારીને — મળતું હતું, ને જેથી તે આવા અનેક અપકારમાં સપડાઈ હતી તેનો વિચાર કરી બહુ ખિન્ન થઈ. એજ દીવાનખાનામાં પોતાના પિતાનું મરણ, કરમાઈ જતો હાર, અને તૂટી ગચેલી સરંગી, એની નજરે તરી આવ્યાં. અરે ! એને લાગ્યું; મારૂં નસીબ કોણ જાણે કેવુંએ હશે ! હજુ લોકાભિરુચિનાં પુષ્પ તાજાં છે તેવામાંજ હૃદયના તાર તૂટશે ! તાકામાં દીવો પણ ઝાંખો જણાવા લાગ્યો; અને એની દૃષ્ટિ સહજજ ઓરડાના અંધારા ખુણા તરફ જોવું એ સહન કરી શકી નહિ,